ઈન્દોરઃ ફિલ્મ નિર્માતા નિર્દેશક એક્તા કપૂર વિરુદ્ધ XXX2 વેબ સિરીઝને લઈને ઈન્દોરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે પ્રોડ્યુસર એક્તા કપૂર, ફિલ્મના કલાકાર સહિત અન્ય સભ્યો સામે IPCની વિવિધ કલમ હેઠળ તેમજ ભારતીય પ્રતિક અધિનિયમની કલમ (3) હેઠળ કેસ દાખલ કર્યો છે.
આ ઘટનાને લઈને ઈન્દોરના અન્નપૂર્ણા પોલીસ સ્ટેશનમાં સાકેત નગરના રહેવાસી નિરજ યાજ્ઞિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તેણે એક્તા કપૂર તેની વેબ સીરિઝમાં ભારતીય સેનાની વર્દી ફાડવાનો અને અશ્લીલ કન્ટેઈન આપવા સહિતની બાબતો દર્શાવીને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ લગાવ્યો છે. જેના આધારે પોલીસે પ્રોડ્યુસર એક્તા કપૂર સહિત ફિલ્મના કલાકાર સહિત અન્ય સભ્યો સામે IPCની વિવિધ કલમ હેઠળ તેમજ ભારતીય પ્રતિક અધિનિયમની કલમ (3) હેઠળ કેસ દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રિપલ એક્સ-2 નામની વેબ સીરિઝ એક્તા કપૂર માટે માથાનો દુઃખાવો બની છે. આ વેબ સીરિઝને લઈને કેટલાંક પૂર્વ સૈન્યકર્મીઓ દ્વારા ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી.
આ વેબસીરિઝ સેનાના જવાનોના જીવન પર આધારિત છે. જેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત અઠવાડિયે મુંબઈના વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ પણ આ જ મુદ્દે બાલાજી ટેલિફિલ્મની નિર્દેશક એક્તા કપૂર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.