મુંબઇ: શહેરમાં ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને બસો દ્વારા તેમના ઘરે પહોંચાડ્યા બાદ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે હવે ટ્રેનની વ્યવસ્થા કરી છે. જે હેઠળ સોમવારે થાણે સ્ટેશનેથી બે વિશેષ ટ્રેન પ્રવાસી મજૂરોને લઈને ઉત્તરપ્રદેશ અને બિહાર માટે રવાના થઈ હતી.
તાજેતરમાં ભારતીય રેલવે સેવાઓ ફરી શરૂ કરી હોવાથી, સોનુ સૂદ રવિવારે રાત્રે વ્યક્તિગત રીતે રેલવે સ્ટેશન પર વ્યવસ્થાની તપાસ માટે ગયા હતા.
અભિનેતાએ મહારાષ્ટ્ર સરકારના સમર્થનથી પ્રવાસીઓને ફૂડ કીટ અને સેનિટરી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડી હતી. જે બદલ સોનુએ મહારાષ્ટ્ર સરકારનો આભાર પણ માન્યો હતો.
સોનુએ શ્રમિકોને મોકલતી વખતે વ્યવસ્થાઓની દેખરેખ માટે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. સાથે જ ત્યાં હાજર તમામ પ્રવાસી મજૂરોને મળ્યા હતા.
આ અંગે સોનુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરપ્રાંતિયોની ટ્રેન આજે થાણેથી ઉત્તરપ્રદેશ અને બિહાર જવા રવાના થઈ છે. અમે અમારા બધા પ્રવાસીઓ માટે ફૂડ કીટ અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના પગલે ચાલી રહેલા લોકડાઉનમાં સોનુ સખત મહેનત અને સમર્પણ સાથે સ્થળાંતર મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે. ઘરે પહોંચાડવાની સાથે-સાથે તેમના ખાવા પીવા પર પણ પૂરું ધ્યાન આપી રહ્યો છે.
આમ, બોલીવૂડમાં વિલનની ભૂમિકા માટે જાણીતો આ અભિનેતા વાસ્તિકતામાં લોકો માટે સુપરહીરો સાબિત થઈ રહ્યો છે.