ચેન્નઈ: તમિળ ફિલ્મોની અભિનેત્રી વિજયલક્ષ્મીએ બ્લડપ્રેશરની એકસાથે ઘણીબધી ગોળીઓ ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જોકે તેને બચાવી લેવાઈ હતી.
આ પગલું ભરતા પહેલા તેણે એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે તેણે બ્લડપ્રેશરની ઘણીબધી ગોળીઓ ખાઇ લીધી છે જેના કારણે તેનું બ્લડપ્રેશર ધીમેધીમે ઓછું થતું જશે અને તેનું મૃત્યુ થશે.
ફેસબુક પર વીડિયો પોસ્ટ કરતા તેણે લખ્યું, "આ મારો અંતિમ વીડિયો છે. હું છેલ્લા ચાર મહિનાથી સિમાન અને તેની પાર્ટીના લોકોથી પરેશાન છું. મે મારા પરિવાર માટે જીવતા રહેવાના ઘણા પ્રયાસો કર્યા પણ હવે મારાથી નથી થતું. હરીનાદરે મને મીડિયામાં ખૂબ જ અપમાનિત કરી છે. મે બ્લડપ્રેશરની ગોળીઓ ખાઇ લીધી છે જેના કારણે મારું બ્લડપ્રેશર ધીમેધીમે ઓછું થતું જશે અને મારું મૃત્યુ થશે."
અભિનેત્રી વિજયલક્ષ્મીએ આ પહેલા પણ અનેકવાર વીડિયો સોશીયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે તે માનસિક તણાવમાં છે.
તેણે કહ્યું કે તેનું અવસાન લોકો માટે એક ઉદાહરણ હોવું જોઈએ અને સિમાન તથા હરીનાદર જેવા માનસિક શોષણ કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. હાલ વિજયલક્ષ્મી ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.