અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય વૃષ્ટિ 4 દિવસ પહેલા ગુમ થઇ ગઈ છે. જે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે, ત્યારે આ યુવતી ન મળી આવતા બોલીવુડની અભિનેત્રી સોહા અલી ખાને આ અંગે ટ્વીટ કરીને ગુમ થયેલી યુવતીને શોધવા માટે અપીલ કરી છે. સોહાએ સોશિયલ મીડિયા પર આ યુવતીનો ફોટો અને નંબર શેર કરતા મેસેજ લખ્યો છે કે, તેમની આ ફ્રેન્ડ 2 દિવસથી ગુમ છે અને તેણીનો ફોન પણ બંધ આવે છે. આ યુવતીના માતા-પિતા ખુબ ચિંતિત છે, જેથી તેણીની જાણ થાય તો સંપર્ક કરવા વિનંતી. યુવતીની ગુમ થવાની બાબત સોહાના ટ્વીટ બાદ વધુ ચર્ચામાં આવી છે, જેથી પોલીસ વિભાગે પણ નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
ફરીયાદના આધારે નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે ગુમ થનાર વૃષ્ટિ અને શિવમ પટેલના CCTV ફુટેજ સામે આવતા આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. CCTV ફૂટેજમાં 1 ઓક્ટોબરના રોજ બપોરે 1.20 વાગ્યે બંને સોસાયટીમાંથી બહાર જતાં દેખાય છે. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાનના ટ્વીટ બાદ જાગેલી પોલીસે વૃષ્ટિ અને તેના મિત્ર શિવમ પટેલની શોધખોળ શરૂ કરી હતી. જેમાં વૃષ્ટિના મોબાઈલનું લોકેશન મહેસાણા હોવાની જાણ થઈ હતી, જેથી વૃષ્ટિ અને શિવમને શોધવા પોલીસે 3 ટીમ બનાવી છે. આ ટીમમાં PSI લેવલના અધિકારીઓનો સમાવેશ થાય છે.
ઉલ્વલેખનીય છે કે, શિવમ અને વૃષ્ટિ બંને ઉવારસદ નજીક આવેલી કોલેજમાં સાથે ભણતા હતા. વૃષ્ટિના ફોન પરથી મહેસાણા લોકેશન પર તપાસ કરવામાં આવી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી રહી છે. તદ્આઉપરાંત પોલીસે વૃષ્ટિ ગુમ થઈ હોય તેવું પોસ્ટર પણ લગાવ્યું છે અને ભાળ મેળવનારને પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું છે. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું છે કે, શિવમનો પરિવાર અમેરિકા રહે છે અને વૃષ્ટિ શિવમના ઘરે આવી ત્યારથી ગુમ થઈ ગઈ છે.