થાણેઃ બૉલિવૂડ અભિનેતા સલમાન ખાન થાણેના ભિવંડીમાં આવી ગરીબો ભોજન આપવાના છે, તેવી અફવાથી શહેરમાં હજારો લોકો રસ્તા પર એકત્ર થઈ ગયાં હતાં.
ભિવંડીના ખાંડુપડા વિસ્તારમાં બુધવારે સાંજે આ ઘટના બની હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લઘુમતીઓ વસવાટ કરે છે અને આ સમયે રમઝાન મહિના દરમિયાન તેમનો ઉપવાસ ચાલી રહ્યો છે. પોલીસ અનુસાર, બુધવારે સાંજે અચાનક અફવા ઉડી હતી કે, સલમાન ખાન અહીં લોકોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવી રહ્યાં છે અને પછી શું, આ વાત આગ જેમ ફેલાઈ ગઈ અને લોકોના ટોળે ટાળાં રોડ પર થયાં.
જોકે ત્યાં સ્થિત પોલીસે સ્થિતિ પર કાબુ લાવવાના અનેક પ્રયાસો કર્યા બાદ માંડ માંડ ટોળા વિખુટાં પડ્યા અને લોકો પોતાના ઘરે ગયાં હતાં. પોલીસે લોકોને સમજાવ્યું કે, કોઈ અભિનેતા આવવાના સમાચાર નથી, ત્યાર પછી મોટી જહેમતથી લોકોને છુટાં પાડ્યા હતાં. હાલ પોલીસ અફવા ફેલાવનાર શરારતી લોકોની શોધખોળ કરી રહી છે.