મુંબઈ બોલિવૂડના 34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઇના બાન્દ્રા સ્થિત તેમના નિવાસસ્થાન પર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. બાન્દ્રા પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસના આધારે આત્મહત્યાનો કેસ નોંધવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે, સ્થળ પરથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી.
હવે એ સામે આવ્યું છે કે, બાન્દ્રાનો ફ્લેટ 6 મહિના પહેલાં સુશાંત દ્વારા ભાડે રાખવામાં આવ્યો હતો અને અભિનેતાએ ડિસેમ્બર 2020 સુધી પાલી હિલના પોષ વિસ્તારમાં ડુપ્લેક્સમાં રહેવાનો ભાડા કરાર કર્યો હતો.
અભિનેતાએ 12 લાખ 90 હજાર રુપિયા રકમ ચૂકવી હતી અને ભાડા કરાર મુજબ સુશાંતે પ્રથમ વર્ષના ભાડા રુપે 4 લાખ 51 હજાર રુપિયા ચૂકવ્યા હતા. આત્મહત્યાના સંભવિત કારણ તરીકે આર્થિક તણાવ જણાવવામાં આવી રહ્યો છે.
પટનાના વતની અભિનેતા સુશાંત સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તેની છેલ્લી પોસ્ટ માતાને સમર્પિત હતી. જેનું વર્ષ 2002માં નિધન થયું હતું.
ઉલ્લેખનિય છે કે, સુશાંતની આત્મહત્યાના થોડા દિવસો પહેલાં જ તેની પૂર્વ મેનેજર દિશા સલિયને તેના મુંબઇના મકાનમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.
આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના મામાએ આત્મહત્યાના અહેવાલોને નકારી કાઢ્યા છે અને આ ઘટનાની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન આગેવાની હેઠળ તપાસની માગ કરતી વખતે હત્યાનો આક્ષેપ કર્યો છે. હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, તેમનું છેલ્લું ફિલ્મ છીછોરે હતું, જેમાં સુશાંતે એક પિતાની ભૂમિકા ભજવી હતી. જેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા પછી પુત્રને આશાનો સંદેશો આપ્યો હતો.