મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા સાથે સંકળાયેલા ડ્રગ્સની સંડોવણી મામલે શુક્રવારે અને શનિવારે બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રિત સિંઘ, દીપિકા પાદુકોણ, તેની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ અને ફેશન ડિઝાઇનર સિમોન ખાંભાતાની પૂછપરછ બાદ નર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) તેમના મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.
NCBના સૂત્રોના જણાવ્યા મુજબ, NCB દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દીપિકા, કરિશ્મા, રકુલ અને ખંભાતાના ફોન કબ્જે કરવામાં આવ્યા છે. શનિવારે દીપિકા અને કરિશ્મા તેમજ શુક્રવારે રકુલ અને ખંભાતાની કેટલાક કલાકો પૂછપરછ કરવામાં આવી હતી.
NCBએ શનિવારે દીપિકાને 5 કલાકથી વધુ અને રકુલને શુક્રવારે 4 કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. જે દરમિયાન શુક્રવાર અને શનિવારે સતત બે દિવસ કરિશ્માની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારે ખંભાતાને બોલાવવામાં આવી હતી. એજન્સીએ તેમના ફોન એકઠા કર્યા હતા. કારણ કે, આ જ ફોનનો ઉપયોગ કરીને કથિત ડ્રગ્સ ચેટ કરવામાં આવી હતી. NCBએ સુશાંતના પૂર્વ ટેલેન્ટ મેનેજર જયા સાહાનો ફોન પણ જપ્ત કર્યો છે. દીપિકા, રકુલ, ખંભાતા અને કરિશ્મા ઉપરાંત NCBએ શનિવારે બોલિવૂડના કલાકારો શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પણ કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. NCBએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ડ્રગ્સ કેસ નોંધ્યો છે.
NCBને દીપિકા અને તેના પૂર્વ મેનેજર સાથે ડ્રગ્સ બાબતે ચર્ચા કરતી 2017ની ચેટ મળી આવી હતી. જે બાદ રકુલ અને ખંભાતાના ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. કારણ કે, તે બન્ને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની નજીકની મિત્રો છે. ઉલ્લેખનીય છે કે, રિયાની ચાલુ મહિનાની શરૂઆતમાં 3 દિવસની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. રિયા ઉપરાંત NCBએ આ કેસના સંબંધમાં તેના ભાઈ અને અન્ય 17 લોકોની પણ ધરપકડ કરી છે.