મુંબઇ : બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. NCBએ ગુરુવારે મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને પાંચ લોકોની અટકાયત કરી છે.
આ પાંચ લોકોમાંથી એક હિમાચલ પ્રદેશનો રહેવાસી રાહિલ વિશ્રામ છે, જે એક કિલો ચરસ સાથે ઝડપાયો છે. NCB તેની પાસેથી રૂપિયા 4.5 લાખ રોકડા પણ કબજે કર્યા હતા. તે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં સામેલ અન્ય પેડલરો સાથે સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટરએ આ માહિતી આપી છે.
રાહિલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેનો બોલિવૂડ સાથે સંબંધ છે અને તે ઘણા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગુરુવારે હાથ ધરવામાં આવેલા દરોડામાં NCB ડ્રગ્સના ત્રણ જુદા જુદા સિન્ડિકેટ્સનો પર્દાફાશ કર્યો છે.
અન્ય લોકો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. NCB દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ જાહેર થઈ શકે છે. રિયાના ભાઈ શૌવિકે પહેલા પણ ઘણા લોકોના નામ જાહેર કર્યા છે. જોકે, NCB દ્વારા હજી સુધી કોઇને સમન્સ મોકલવામાં આવ્યું નથી.