60ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝે ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે 12 વર્ષની વયે બહેન મલાઇકા સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. મુમતાઝની પ્રથમ ફિલ્મ 'સંસ્કાર' 1952માં રિલિઝ થઈ હતી. ત્યારબાદ 1958માં રિલિઝ થયેલી ફિલ્મ ‘લાજવંતી’ અને ‘સોને કી ચિડિયા’માં પણ કામ કર્યું હતું. મુમતાઝની પ્રશંસનિય અભિનયના કારણે તે સમયમાં ચાહકોના દિલમાં અલગ જગ્યા બનાવી હતી.
મુમતાઝે 60થી 70ના દશકામાં પોતાના કરિયરમાં મશહૂર કલાકાર દિલીપ કુમાર, રાજેશ ખન્ના, દેવાનંદ, સંજીવ કુમાર અને જીતેન્દ્ર જેવી હસ્તિઓ સાથે કામ કર્યું છે.
1996માં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી (આઇફા)માં લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ અને 2008માં આઇફા ઉત્કૃષ્ટ યોગદાન માનદ પુરસ્કારથી નવાજવામાં આવી હતી. 1970માં રિલિઝ થયેલી ફિલ્મ ‘ખિલૌના’ માટે મુમતાઝને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. મુમતાઝે રાજેશ ખન્ના સાથે એક સાથે 10 હીટ ફિલ્મો આપી હતી. 1977માં રિલિઝ થયેલી ફિલ્મ ‘આઇના’ બાદ મુમતાઝે મયુર માધવાની સાથે લગ્ન કર્યા હતા.
મુમતાઝની જિંદગીમાં એક વખત ખરાબ સમય પણ આવ્યો હતો. આ સમયે તેની જિંદગી સંપૂર્ણપણે બદલાઇ ગઇ હતી. આ સુંદર અભિનેત્રીને આજે ઓળખવી પણ મુશ્કેલ છે. મુમતાઝને 53 વર્ષની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર હતું. જેની જાણ તેમને લાંબા સમયે થઇ હતી. કીમોથેરાપીના કારણે મુમતાઝની હાલત વધારે ખરાબ થઇ હતી. લાંબા સમયે કેન્સરની લડાઇમાં જીત તો મેળવી પણ તેની અસર આજ દિવસ સુધી છે. હાલના સમયમાં તેમને થાઇરોડ સંબંધી સમસ્યાથી પીડાઇ રહી છે. છતાં આજેય તેમનો ચાહક વર્ગ અકબંધ છે અને તેમની ફિલ્મોથી માંડી અભિનયને બિરદાવતા લોકોની જીભ સુકાતી નથી.