ઇન્ડિયન સાઇક્યાટ્રિસ્ટ સોસાયટીના પ્રેસિડેન્ટ ડો. મૃગેશભાઇ વૈષ્ણવ દ્વારા જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ ફિલ્મના પોસ્ટર્સ જાહેર થતાની સાથે જ તે વિવાદમાં સપડાઇ ગયા હતા. ખાસ કરીને ફિલ્મની એક્ટ્રેસ કંગના રનૌત અને એક્ટર રાજકુમાર રાવના જીભમાં બ્લેડ સાથેના પોસ્ટર્સ વિવાદિત બન્યાં છે. જેનો દેશભરમાં ઇન્ડિયન સાઇક્યાટ્રિસ્ટ સોસાયટીના ડોક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મના પોસ્ટર્સમાં મજા માટે ક્રેઝીનેસ બતાવવામાં આવ્યું છે, જેનાથી સમાજમાં ખોટો મેસેજ પહોંચે છે. માનસિક રોગ કોઇ મજાકની વસ્તુ નથી અને આવા રોગથી પીડિત દર્દી સ્ટીગ્માના લીધે બહાર આવી શકતો નથી. તે ચુપ રહે છે અંદરોઅંદર દબાતો, પીડાતો રહે અને તેની બીમારી વધે છે. એ તબીબી સારવાર કરાવતો નથી.
બોલીવુડ થોડા-થોડા વખતે આવી ફિલ્મો બનાવીને માનસિક રોગના દર્દીઓની મશ્કરી ઉડાડતી રહે છે. પરંતુ આ કોઇ સર્જનાત્મક કામ નથી. બોલીવુડે સમાજમાં આવા લાંછન રૂપ શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પણ દેશના બંધારણે સન્માન પૂર્વક જીવવાનો અધિકાર આપ્યો છે. તેમના માટે મેણાટોણા જેવા શબ્દો અપમાન જનક છે. તેમને ક્ષોભમાં મુકનારા છે.
આ ફિલ્મના ટાઇટલને હટાવવા માટે સેન્સર બોર્ડ સહિત પીએમઓ સુધી પત્ર લખીને રજૂઆત પણ કરવામાં આવી છે. તે ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.