પટણા: શહેરના રહેવાસી અને બોલીવુડ સ્ટાર સુશાંતસિંહની આત્મહત્યા કેસમાં હવે, બિહાર યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ લલન કુમારએ પણ ગૃહપ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને સુશાંતની આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી છે.
લલન કુમારે પત્રમાં લખ્યું છે કે, સુશાંતે એક નાના શહેરને છોડ્યા પછી ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી, જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક વર્ગથી નાખુશ હતો. વધુમાં તેમણે કહ્યું કે, મીડિયા રિપોર્ટ અનુસાર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં જો સીબીઆઈની તપાસ કરવામાં આવે તો બધું સ્પષ્ટ થઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું છે કે, જો સીબીઆઈ તપાસની માગ 15 દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો, તેઓ આ અંગે કોર્ટમાં પણ જશે. તેમણે ચેતવણી આપી હતી કે, સુશાંતને ન્યાય નહીં મળે ત્યાં સુધી અભિનેતા સલમાન ખાન, કરણ જોહરની ફિલ્મો પણ બિહારમાં બતાવાશે નહીં.
આ પહેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્યપાલ નિખિલ કુમારે પણ આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માગ કરી હતી. ભાજપના નેતા અને અભિનેતા મનોજ તિવારીએ પણ આ મામલે ઉચ્ચ સ્તરની તપાસની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂનના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેમના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.