મુંબઇ: મહારાજગંજ જિલ્લામાં જિલ્લા ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં એક સામાજિક કાર્યકર અને વકીલે, ફિલ્મ 'સડક 2'ના પોસ્ટરમાં ફિલ્મ નિર્માતાઓ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટ સામે અપમાનજનક રીતે કૈલાસ માનસરોવરના ફોટાનો ઉપયોગ કરી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૌરભ પાંડેએ આ કેસમાં સુનાવણીની આગામી 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. જેમાં કલમ 295 A (ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) અને આઈપીસીની 120 B (ગુનાહિત કાવતરું) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
અરજદાર, મહારાજગંજ જિલ્લાના રહેવાસી એડવોકેટ વિનય પાંડેએ ફિલ્મના પોસ્ટરમાં કૈલાસ માનસરોવરના ફોટાના ઉપયોગ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, 'સડક 2' ફિલ્મના પોસ્ટરમાં કૈલાસ પર્વતનો ફોટો છે, તેને હિન્દુઓ ભગવાન શંકરનું નિવાસસ્થાન માને છે. પરંતુ દુર્ભાગ્યે ફિલ્મ, નિર્માતા, દિગ્દર્શક અને અભિનેત્રીનું નામ પર્વત પર લખેલું બતાવવામાં આવે છે. તેમના નામ અને ફિલ્મના નામને પવિત્ર પર્વત કરતા પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પોસ્ટરથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. "