Happy B'Day સુનિલ દત્તઃ નિલે ગગન કે તલે, સાવન કા મહિના....
બલરાજ દત્ત કહીશું તો કદાચ કોઈ ઓળખવામાં ભૂલ કરી શકે, પરંતુ સુનીલ દત્તનું નામ પડે તો તરત જ બૉલીવુડ ચાહકોથી લઇ રાજકારણ પ્રેમીઓના મુખ પર હર્ષની લાગણી છવાઇ જશે. હા, સુનીલ દત્તનું મૂળ નામ બલરાજ દત્ત હતું. 6 જૂન 1928ના રોજ જેલમ જિલ્લાના ખુર્દી ગામમાં જન્મેલા સુનીલ દત્ત બોલીવુડ ક્ષેત્રમાં એન્ટી હીરોના નામથી લોકપ્રિય છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેમનો પરિવાર હરિયાણા પહોંચ્યો હતો ત્યારબાદ લખનઉ અને પછી તેઓ મુંબઈ આવીને વસ્યા હતા. આ દરમિયાન કોલેજના દિવસોમાં ભણવા માટે સુનીલ દત્ત લાયબ્રેરીમાં જઈને બેસતા હતા. કોલેજમાં હંમેશા તેઓ નાટકોમાં નાની-મોટી ભૂમિકા ભજવતા હતા. કોલેજની સાથે સામાન્ય કર્મચારી તરીકે ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેમના કામનો સમય બપોરે 2થી રાત્રે 11 વાગ્યા સુધીનો રહેતો હતો. અહીં તેમને 100 રૂપિયા વેતન મળતું હતું.
જે બાદમાં તેમણે રેડિયો એનાઉન્સર તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી. તેમને પોતાના દમદાર અવાજ અને સ્પષ્ટ ઉચ્ચારણના કારણે રેડિયો પર મોટા-મોટા કલાકારોના ઈન્ટરવ્યુ લેવાની તક મળી હતી. સુનીલ દત્તે 'આપ કી અદાલત'ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ 'શહીદ' દરમિયાન તેઓ દિલીપ કુમારનું ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચ્યા હતા. આ ઇન્ટરવ્યુ જોઇ ફિલ્મ ડાયરેક્ટર રમેશ સહગલે તેમને હીરો બનવા માટે કહ્યું હતું. આ તકે સુનીલ દત્તના કિસ્મત ચમકાવી હતી. તેઓએ તરત જ કહી દીધું કે, જો તમે મને હીરો બનાવશો હું જરૂર બનીશ. પરંતુ હું નાના-મોટા રોલ કરવા માંગતો નથી. બસ આ જ સમયથી બૉલીવુડ ક્ષેત્રને સુનીલ દત્ત મળ્યા હતા.
શું છે તેમના પ્રેમની રસપ્રદ કહાની?
પોતાના સમયના ઉતકૃષ્ઠ અભિનેતા હોવાની સાથે સુનિલ દત્તે નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ કામ કર્યુ હતું ત્યારબાદ 1984માં તેઓ સક્રિય રીતે રાજકારણમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસમાં જોડાઈને તેમણે મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હાથ અજમાવ્યો હતો. તેઓ પ્રથમ ચૂંટણીમાં જ વિજેતા બન્યા હતા અને ત્યારબાદ સતત પાંચ વર્ષ તેઓ મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાતા રહ્યાં અને અહીંના લોકોની સેવા કરી હતી. UPAની મનમોહન સરકારમાં તેમને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ રમત અને યુવા મંત્રાલયના પ્રધાન તરીકે પોતાનું યોગદાન આપી રહ્યાં હતા, તે દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર સાંભળી તેમના ચાહકવર્ગમાં દુઃખની લાગણી પ્રસરી હતી.
અભિનેતાથી લઈ નેતા સુધીની તેમની સફર દરમિયાન તેમની આગવી ઓળખ ઉભી થઈ હતી. ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા હોય કે પછી નેતા તરીકેની કારકીર્દીના સંભારણાઓ સાથે તેઓ આજે પણ તેમના ચાહકવર્ગના દિલમાં જીવંત છે.