મુંબઈઃ બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તેમના પુત્ર અભિષેકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમિતાભે પોઝિટિવ હોવા અંગેની માહિતી ટ્ટીટ દ્વારા આપી હતી. જે બાદ મહાનાયકના પરિવાર અને સમગ્ર સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અભિષેકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અભિષેકે પણ પોઝિટિવ હોવા અંગેની માહિતી ટ્વીટ કરીને આપી છે.
'શોલે' ફિલ્મના હિરોએ ટ્વીટમાં લખ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છે. પરિવાર અને બાકી સ્ટાફ પણ ટેસ્ટ કરાવી રહ્યા છે. ગત 10 દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ લોકોને મારી વિનંતી છે કે, તમે તમારો ટેસ્ટ કરાવો.
બિગ બી પાસે તાજેતરમાં ઘણા બધા પ્રોજેક્ટસ છે, જે તેમને પૂર્ણ કરવાના છે. અમિતાભની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં, ચેહરે, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાઈ, ઝુંડ અને Uyarndha Manithan સામેલ છે. આ ઉપરાંત અભિષેક લાંબા સમય બાદ પ્રથમ વખત ડિજિટલ માધ્યમ એમેઝોન પ્રાઈમમાં આવ્યા છે. તેમની વેબ સીરીઝ બ્રિધ-2 એમેઝોન પ્રાઈમમાં રીલીઝ થઇ છે.
મહત્વનું છે કે, કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. આ સાથે જ એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં જ્યારે, કોરોનાએ પગપેસારો કર્યો હતો, ત્યારે હડકંપ મચી ગયો હતો. જો કે, તંત્રએ સતર્કતારપૂર્વક કામગીરી કરતાં મિશન ધારાવી લોન્ચ કર્યું હતું અને ધારાવીમાં કોરોનાના સંક્રમણને નાથવા મોટી સફળતા મેળવી છે. જેની આજે એટલે કે, શનિવારે વિશ્વ આરોગ્ય સંગઠને પ્રશંસા કરી છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સમગ્ર જનતા અને પ્રશાસને શુભેચ્છા પાઠવી છે.