આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં અનોખા રંગો છે
પ્રદેશો પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીની વિવિધ મુદ્રામાં તસવીરો સાથેના પોસ્ટરો મૂકાયેલા હોય તે છેલ્લા 10 વર્ષનું કાયમી દ્રશ્ય બની રહ્યું છે. પ્રદેશ પ્રમાણ એવી રીતે જ જાહેરખબરોનો મારો ચાલતો રહે છે. મમતા બેનર્જી મંત્રોચ્ચાર કરી રહ્યા હોય કે પૂજા કરી રહ્યા હોય તેવી તસવીરો સાથેના પોસ્ટરો પણ જોવા મળી રહ્યા છે. આ વખતે નંદીગ્રામમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યાં તેમનું આ નવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આવું સ્વરૂપ લોકોએ ભાગ્યે જ જોયું છે.
તેની સામે જે વિસ્તારમાં પ્રચાર કરવાનો હોય ત્યાંના મંદિરોમાં દર્શન કરવા જવાનું ભાજપના નેતાઓ માટે અનિવાર્ય હોય છે. રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા હોય કે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ દરેક નેતાઓ મંદિરોમાં પહોંચી જાય છે. ભગવી જમાતમાં હાલમાં જ ભળી ગયેલા મિથુન ચક્રવર્તિ પણ કોલકાતામાં તેમના ભત્રીજાના ઘરે કાળી માતાની છબી રાખી હતી ત્યાં તેની આગળ બેસી ગયેલા જણાયા હતા. પોતે રોજ સવારે ઊઠીને કેવી રીતે પ્રાર્થનાઓ કરે છે અને મંત્રગાન કરે છે તેની વાતો કરવા લાગ્યા છે.
2021ની બંગાળની ચૂંટણીમાં ચારે બાજુ નેતાઓ મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં લાગ્યા છે. શું હવે બંગાળમાં ધ્રુવીકરણનું રાજકારણ બરાબર જામી ગયું છે? શું મમતા બેનરજી માટે આના કારણે પડકાર ઊભો થયો છે?
આનો જવાબ મમતા બેનરજી પાસેથી જ મળી શકે તેમ છે. તેણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન, ખાસ કરીને નંદીગ્રામમાં સભાઓમાં તેમણે ‘70-30 ફોર્મ્યુલા’ની વાત કરી હતી. નંદીગ્રામમાં તેમના એક વખતના સાથી અને ભાજપમાં ભળી ગયેલા શુભેન્દુ અધિકારી અને સીપીએમના મિનાક્ષી મુખરજી મમતા સામે ચૂંટણી લડી રહ્યા છે.
આ ફોર્મ્યુલા એટલા માટે અગત્યની બની જાય છે, કેમ કે શુભેન્દુ અધિકારી પણ '62,000 વિરુદ્ધ 2.13 લાખ'ના સમીકરણની વાત નંદીગ્રામમાં કરે છે. શુભેન્દુ સીધી રીતે ધર્મનો ક્યારેય ઉલ્લેખ નથી કરતાં, પરંતુ સ્પષ્ટપણે તેમના મતવિસ્તારમાં વસતિ કેવી રીતની છે તેનો જ ઉલ્લેખ કરી રહ્યા છે.
નંદીગ્રામમાં મુસ્લિમ લઘુમતીની વસતિ 62,000ની છે, જ્યારે હિન્દુઓની વસતિ 2.13 લાખની છે. વસતિના આ આંકડાંઓ તરફ મમતા અને શુભેન્દુ બંન સભાન છે. નંદીગ્રામમાં અને રાજ્યના બીજા મતવિસ્તારોમાં પણ હવે ધાર્મિક વિભાજનનું રાજકારણ બહુ સ્પષ્ટપણે આકાર લેવા લાગ્યું છે.
નંદીગ્રામના પૂર્બા મેદિનીપુરમાં ચંઢી પાઠના મંત્રો ગુંજી રહ્યા છે. એટલું જ નહિ આ વખતે પ્રથમવાર એવું થયું છે કે નંદીગ્રામની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો તરફતી કોઈ મુસ્લિમ ઉમેદવાર નથી. મમતા બેનરજીની સામે શુભેન્દુ અને મિનાક્ષી બંને પણ હિન્દુ ઉમેદવારો જ છે. શું રાજકીય પક્ષો મુસ્લિમ મતદારોની અવગણના કરીને જીતવાની આશા રાખી શકે? નંદીગ્રામની 27 ટકા મુસ્લિમ વસતિ વચ્ચે આ સવાલ ઘેરાયેલો છે.
ભાજપે ધર્મના નામે વિભાજન કરવા માટેની ટ્રીક અજમાવી છે તે નંદીગ્રામમાં તેને ફળી પણ હોત, પરંતુ મમતા બેનરજીએ અહીં જાતે આવીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને ચિત્ર બદલાયું. શુભેન્દુ અધિકારીએ બળવો કર્યો પણ હવે તેમણે સીધો મમતાનો જ સામનો કરવાનો આવ્યો. મમતા બેનર્જી હિન્દુ મતોમાંથી પણ સારા એવો મતો ખેંચીને તેમાં ભાગલા પડાવી શકે છે. તેથી જ તેમની '70-30 ફોર્મ્યુલા' બરાબર કામ આવી રહી હોય તેમ લાગે છે.
આ પણ વાચોઃ કોંગ્રેસ પક્ષની દુવિધાઓ
આ જંગમાં ત્રીજો પક્ષ મિનાક્ષી મુખરજી તરફથી ઉમેરાયો છે. સીપીએમના યુવા નેતા મિનાક્ષી પ્રચારમાં જોશ દાખવી રહ્યા છે અને તેઓ પણ હિન્દુ મતોમાં ભાગ પડાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેના કારણે ભાજપ અને ટીએમસી બંને માટે ચિંતા થાય તેવું છે.
ટીએમસી સામાજિક સમીકરણો ગોઠવીને પણ મતો મેળવવા માટે પ્રયત્નો કરી રહી છે. નંદીગ્રામને મૉડલ નંદીગ્રામ બનાવવાના વચન સાથે મમતા બેનરજીએ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં એમ પણ જણાવ્યું છે કે પછાત વર્ગો માટે અલગથી અનામત રાખવામાં આવશે. શું તેની અસર નંદીગ્રામમાં થશે કે પછી નેતાઓના વ્યક્તિત્વને આધારે જ મતદારો નિર્ણય કરશે?
મમતા બેનર્જીના પક્ષે જાહેર કરેલી 291 ઉમેદવારોની યાદીમાં આ વખતે મુસ્લિમ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ બાબતે ભવાં ખેંચાયા છે. 2016માં મમતા બેનરજીએ 53 મુસ્લિમ ઉમેદવારોને ઊભા રાખ્યા હતા, જ્યારે આ વખતે માત્ર 35ને ટિકિટ આપી છે. ગત વખતે 53 ઉમેદવારોમાંથી માત્ર 35 જીત્યા હતા. તેથી આ વખતે એટલાને જ ટિકિટ આપી. વિશ્લેષકો કહી રહ્યા છે કે ભાજપે ધ્રુવીકરણનું રાજકારણ શરૂ કર્યું છે તેના ટ્રેપમાં મમતા બેનરજી આવી ગયા છે.
મમતા બેનર્જીએ આ વખતે મુસ્લિમ ઉમેદવારો ઓછા કર્યા, પરંતુ તેની સામે એસસી ઉમેદવારોની સંખ્યા વધારી છે. 2019ની ચૂંટણી વખતે આવેલા પરિણામોને ધ્યાનમાં રાખીને ટીએમસીએ આ નિર્ણય કર્યો હોય તેમ લાગે છે. લોકસભાના આંકડાં પ્રમાણે એસસી અને એસટી માટેની અનામત વિધાનસભા બેઠકોમાં ભાજપના મતોની ટકાવારી ખૂબ સારી થઈ ગઈ હતી. 84માંથી 46માં ભાજપને સારી લીડ મળી હતી.
આ પણ વાંચોઃ રાષ્ટ્રને આત્મનિર્ભર કરવા માટે ખેડૂતોને ઉગારવા જરૂરી છે
શું મમતા બેનર્જીને ખાતરી છે કે 2011 અને 2016માં મુસ્લિમ મતદારો તેમની સાથે રહ્યા હતા, તેઓ આ વખતે પણ પક્ષને છોડશે નહીં? કે પછી તેમને ચિંતા છે કે ભાજપ ધ્રુવીકરણ કરીને વધારે હિન્દુ મતો ખેંચી જશે અને તેથી જ તેઓ '70-30 ફોર્મ્યુલા' પર વધારે આધાર રાખી રહ્યા છે? આનો જવાબ ગ્રામીણ બંગાળ જ આપી શકે છે.
આ બધી ધમાલ વચ્ચે મિનાક્ષી મુખરજી પણ પોતાની હાજરી પુરાવી રહ્યા છે. 2007માં નંદીગ્રામમાં જમીન હસ્તગત કરવાના મામલે મોટા પાયે આંદોલન ચાલ્યું હતું અને તેમાં 14 લોકોના પોલીસ ફાયરિંગમાં મોત થયા હતા. તે વખતે યુવા કાર્યકર તરીકે મિનાક્ષી અહીં સક્રિય હતા. ભાગિયા તરીકે ખેતીકામ કરનારા લોકો તરફથી આંદોલન શરૂ થયું હતું, પણ તેને ટીએમસીએ ઉપાડી લીધું હતું. અથવા કહો કે તે વખતે યુવા ટીએમસી નેતા શુભેન્દુ અધિકારીએ તેને પોતાના ખભે લઈ લીધું હતું. મમતાએ નંદીગ્રામમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ડાબેરી તરફી મતદારોને આકર્ષવા માટે પ્રયાસો કર્યા છે. તેની સામે શુભેન્દુએ પોતાની પકડ આ વિસ્તારમાં જાળવી રાખવાની છે.
1984માં જાદવપુરમાં ચૂંટણી થઈ ત્યારે યુવા અને નવાસવા નેતા મમતા બેનરજીએ સીપીએમના પીઢ નેતા સોમનાથ ચેટરજીને હરાવી દીધા હતા. તે મોટો અપસેટ હતો અને તેવા અપસેટ રાજ્યમાં ભાગ્યે જ જોવા મળ્યા છે. જો આ વખતે મમતા અને શુભેન્દુની લડાઈમાં મિનાક્ષી બાજી મારી જાય તો કદાચ તેઓ અપસેટ સર્જનારા બીજા નેતા તરીકે જાણીતા થઈ જશે. મિનાક્ષી જીતે તો ડાબેરી પક્ષમાં ફરી જીવ પણ આવે અને તેના કારણે પણ નંદીગ્રામની લડાઈ બહુ રસપ્રદ બની રહી છે.
-દીપાંકર બોઝ