ઓગસ્ટ ક્રાંતિ અથવા ભારત છોડો ચળવળઃ
જ્યારે દ્વિતિય વિશ્વયુદ્ધમાં બ્રિટિશરોને મદદ પૂરી પાડવા છતાં તેઓ ભારત છોડવા માટે તૈયાર ન થયા, ત્યારે બાપુ (મહાત્મા ગાંધી)એ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી.
4 જુલાઇ, 1942ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશરોને દેશની બહાર હાંકી કાઢવા માટેની દરખાસ્ત પસાર કરી. પક્ષના નેતા સી. રાજગોપાલાચારીએ પક્ષ છોડી દીધો, પરંતુ નેહરુ અને મૌલાના આઝાદે અંત સુધી ગાંધીજીની હાકલનું સમર્થન કરવાનું નક્કી કર્યું.
8મી ઓગસ્ટ, 1942ના રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ દ્વારા બોમ્બે સત્રમાં ભારત છોડો ચળવળનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ગાંધીજીને પૂણે સ્થિત આગા ખાન પેલેસમાં કેદ કરવામાં આવ્યા હતા. લગભગ તમામ નેતાઓની ધરપકડ થઇ હતી, પરંતુ યુવા નેતા અરૂણા અસફ અલી અંગ્રેજોની પકડમાં આવી શક્યાં નહીં અને તેમણે 9મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇના ગ્વાલિયા ટેંક ગ્રાઉન્ડ ખાતે ભારતનો તિરંગો લહેરાવ્યો.
મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલન છેડવા સાથે “કરો યા મરો”નું સૂત્ર આપ્યું હતું.
ભારત છોડો આંદોલનની નિષ્ફળતાઃ
ભારત છોડો આંદોલનની પ્રતિક્રિયાસ્વરૂપે બ્રિટિશરોએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઇ પટેલ સહિત આઇએનસીના લગભગ તમામ નેતાઓની ટ્રાયલ વિના ધરપકડ કરી હતી અને 1945માં દ્વિતીય વિશ્વ યુદ્ધના અંત સુધી તેમને જેલમાં જ રાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, આઇએનસીને ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું અને દેશભરમાં આવેલી તેની કચેરીઓ પર દરોડા પાડીને તેનાં ભંડોળને સ્થગિત કરી દેવામાં આવ્યાં.
મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હોવાથી ભારત છોડો આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું.
નબળા સહનિર્દેશનને પગલે તેમજ સ્પષ્ટ એક્શન પ્લાનના અભાવે આ આંદોલન 1943 સુધીમાં સંકેલાઇ ગયું.
ભારત છોડો આંદોલન નિષ્ફળ ગયું હોવા છતાં, તે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ ગણાય છે, કારણ કે, તેના કારણે બ્રિટિશ સરકારને સમજાઇ ગયું કે, ભારતમાં હવે લાંબા સમય સુધી રાજ થઇ શકશે નહીં.
ભારત છોડો આંદોલનના મહત્વના નેતાઓઃ
- મહાત્મા ગાંધી
- અબ્દુલ કલામ આઝાદ
- જવાહરલાલ નેહરૂ
- સરદાર વલ્લભભાઇ પટેલ
ભારત છોડો આંદોલનમાં મહિલાઓની ભાગીદારીઃ
ઉષા મહેતા
ઉષા મહેતા કોંગ્રેસ રેડિયો કોન્સપિરસી કેસનાં અગ્રણી કાર્યકર પૈકીનાં એક હતાં. તેમણે આઝાદી માટેની લડત વિશેની માહિતીનો પ્રચાર-પ્રસાર કરવા માટે ‘વોઇસ ઓફ ફ્રીડમ’ નામનું રેડિયો ટ્રાન્સમીટર પ્રસ્થાપિત કર્યું હતું. 12મી નવેમ્બર, 1942ના રોજ ધરપકડ થઇ, ત્યાં સુધી ઉષા અને તેમના ભાઇએ પ્રસારણની કામગીરી સતત ચાલુ રાખી હતી. ઉષા મહેતાને ચાર વર્ષના જેલવાસની સજા થઇ હતી.
અરૂણા અસફ અલી
મીઠાના સત્યાગ્રહના દિવસો દરમિયાન અરૂણા એક અગ્રણી નેતા તરીકે ઊભરી આવ્યાં. દિલ્હીના ચીફ કમિશનર અરૂણાની પ્રવૃત્તિઓ પ્રત્યે ઘણા સાવધ થઇ ગયા હતા. પરિણામે, તેમણે રાજ-દ્રોહ બદલ નહીં, બલ્કે ‘આજીવિકાનું સાધન ન ધરાવનાર રખડુ બનવા બદલ’ અરૂણા વિરૂદ્ધ મુકદ્દમો ચલાવ્યો. અરૂણાને સારી વર્તણૂંક માટેની સિક્યોરિટી રજૂ કરવા જણાવવામાં આવ્યું, જેનો તેમણે ઇનકાર કર્યો. અરૂણાની ધરપકડ કરવામાં આવી અને તેમને એક વર્ષનો જેલવાસ થયો.
સુચેતા કૃપલાણી
સુચેતા કૃપલાણી ભારત છોડો આંદોલનનાં એક અગ્રણી મહિલા નેતા હતાં. તેમનું મુખ્ય કાર્ય દેશભરમાં સક્રિય હોય, તેવાં જૂથો સાથે સંપર્ક પ્રસ્થાપિત કરીને તેમને અહિંસક પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું. 1944માં સુચેતાની ધરપકડ કરવામાં આવી અને ‘જોખમી કેદી’ તરીકે તેમને લખનૌની જેલમાં કેદ રાખવામાં આવ્યાં. આમ, ભારત છોડો આંદોલનમાં મહિલાઓની સામેલગીરીએ સક્રિય વિરોધથી લઇને અહિંસક ચળવળના સંગઠન સહિતનાં જુદાં-જુદાં સ્વરૂપો ધારણ કર્યાં.
સુશીલા નય્યર
વ્યવસાયે ડોક્ટર એવાં સુશીલા નય્યર ગાંધીજીના સેક્રેટરી પ્યારેલાલનાં નાનાં બહેન હતાં. તેઓ કસ્તુરબા અને ગાંધીનાં અંગત ફિઝિશ્યન બન્યાં. તેમને 1942માં કસ્તુરબા, ગાંધી અને મહાદેવભાઇ સાથે આગાખાન પેલેસમાં કેદ કરવામાં આવ્યાં.
રાજકુમારી અમૃત કૌર
રાજકુમારી અમૃત કૌર કપુરથલા રાજ્યના રાજવી પરિવારમાંથી આવતાં હતાં. તેઓ ગાંધીજીથી પ્રભાવિત થઇને તેમનાં અનુયાયી બન્યાં. તેમણે મીઠાના સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો. મહિલા શિક્ષણ અને હરિજનોનું ઉત્થાન એ તેમનું મુખ્ય કાર્ય ક્ષેત્ર હતાં. તેઓ ઓલ ઇન્ડિયા વિલેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનાં પ્રમુખ હતાં. ચળવળ દરમિયાન રાજકુમારી અમૃત કૌરે સભાઓ તથા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન તેઓ સૌથી વધુ સક્રિય હતાં. તેમને મુક્ત રાખવાં સરકાર માટે જોખમી હતું અને આખરે, કાલકા ખાતેથી તેમની ધરપકડ કરવામાં આવી.