- ખોખરા પોલીસને હાથ લાગી સફળતા
- વાહનચોરી અને મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડી
- ચાર આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કર્યો
અમદાવાદ: ખોખરા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી રાત્રીના પેટ્રોલિંગ ચાલુ જ હતું ત્યારે 15 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીનો ગુનો નોધાયો હતો. જેથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ વધુ કડકાઈથી કરવામાં આવ્યું હતું. તેવામાં નંબર પ્લેટ વિનાના 2 એક્સેસ અને એક રિક્ષા આવી રહી હતી જેને PSI ચૂડાસમા અને તેમના સ્ટાફ દ્વારા રોકવામાં આવ્યાં હતાં.
- ચાવી અને કાગળો વગર એક્સેસ જોતાં શંકા પડી
એક્સેસની નંબર પ્લેટ ન હોવાથી પોલીસને શંકા ગઈ હતી. ત્યારે એક્સેસ ચાવી વિના ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે વાહનના કાગળો અંગે કહેતાં ૪ ઈસમો પાસેથી કોઈ જવાબ ન મળતા પોલીસની શંકા સાચી સાબિત થઇ અને એક્સેસ ચોરીના હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ચારેય ઇસમોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં અને વધુ કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી.
- માત્ર એક કલાકમાં ચોરી કર્યાં 10 મોબાઈલ
ચારેય આરોપીઓની તપાસ દરમિયાન તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં અને મોબાઈલ ફોન તપાસતાં તે મોબાઈલ ફોન ચોરીનો હોવાનું જાણવા મળંતા પોલીસે વધુ તપાસ કરી ત્યારે આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેમણે અલગ અલગ વિસ્તારોમાંથી 11 મોબાઈલની ચોરી કરી છે. જેમાંથી માત્ર 1 કલાકમાં જ 10 મોબાઈલ ચોરી કર્યા છે. પોલીસે તેમની પાસેથી 11 મોબાઈલ રીકવર પણ કર્યા અને ચોરીના 2 એક્સેસ પણ રીકવર કર્યા હતાં. - ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ
મહત્વની વાત એ છે કે, ચોરી કરનાર ચારેયની ઉમર માત્ર 21થી 25 વર્ષની વચ્ચેની છે. જેમાંથી એક તો અગાઉ પાસાની સજા ભોગવીને આવ્યો છે. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને ખોખરા, મણિનગર, ઇસનપુર, રામોલ, કાલુપુર, રખિયાલના વાહન ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાના ભેદ ઉકેલ્યાં છે અને વધુ તપાસ હાથ ધરી છે.