સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી તેરે-નામ ચોકડી નજીક સચિન મિશ્રા નામના યુવકની ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. સચીન નામનો યુવક પોતાના સ્વબચાવ માટે નજીકમાં આવેલા પરિવારના મકાનમાં ઘુસી ગયો હતો. જો કે, ત્યાં પણ ત્રણેય હત્યારા પહોંચી ગયા હતાં. સચિન મિશ્રાના ગળાના ભાગે બે જેટલા રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG તેમજ DCP અને જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સચિન મિશ્રા હાલ જ બે દીવસ અગાઉ સુરતની લાજપોર જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો. અગાઉ દિકોયના ગુનામાં સચિન મિશ્રાની શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે માસથી તે લાજપોર જેલમાં બંધ હતો. જો કે, જામીન પર બે દિવસ અગાઉ જ બહાર આવ્યો હતો. જ્યાં તેની હત્યા કરી દેવામાં આવી.
સચિન મિશ્રા ગેંગનો સાગરીત છે. જ્યાં અન્ય એક ગેંગ સાથે તેઓની જૂની દુશ્મનાવટ ચાલી આવી હતી. જેની અદાવતમાં અન્ય ગેંગના ત્રણ જેટલા સાગરીતોને વેપન્સ વડે ગળાના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ પરિવારજનોને થતા પગ તળેથી જમીન સરકી પડી હતી. મૃતકની બહેન સહિતના પરિવારના સભ્યો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. બીજી તરફ હત્યારાઓનું પગેરૂં મેળવવા પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી.
સુરતમાં શહેરમાં ગુનેગારો પ્રત્યે પોલીસની પકડ શા માટે ઢીલી પડી રહી છે? જે સવાલ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જેના કારણે ફાટીને ધુમાડે ગયેલા આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપવામાં સફળ થઈ રહ્યા છે. લોકોની ભારે અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉભા કર્યા છે.