- હમાસે ઈઝરાઈલમાં રોકેટ હુમલો કર્યો
- 580થી વધુ લોકો ઈજાગ્રસ્ત
- અત્યાર સુધીમાં 103 પેલેસ્ટાઈનીઓના મોત
ગાઝા પટ્ટી: ઇઝરાઇલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે ગાઝામાં અત્યાર સુધીમાં 103 લોકોનાં મોત થયા છે. હમાસે થોડીવારમાં ઇઝરાઇલના શહેરોને નિશાન બનાવી અનેક રોકેટ ફાયર કર્યા હતો. તો બીજી તરફ ઇઝરાઇલે પણ ગાઝા પર હુમલો કરી જવાબી કાર્યવાહી કરી હતી.
ઇઝરાઇલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 103 પેલેસ્ટાઈનીઓના મોત
ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઇઝરાઇલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 103 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. જેમાં 27 બાળકો પણ શામેલ છે. તો બીજી તરફ 580થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: હાલમાં ચાલી રહેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ 2014ના ગાઝા યુદ્ધની યાદ અપાવે છે
યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો
ગાઝામાં લડાઈની વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટોના પ્રયત્નોના ભાગરૂપે ઈઝરાયલના અધિકારીઓ સાથે વાતચીત કરવા ઇજિપ્તનું એક પ્રતિનિધિ મંડળ તેલ અવીવ પહોંચ્યું છે. ઇઝરાઇલ અને ગાઝાના હમાસ શાસકો વચ્ચેનો સંઘર્ષ 2014 ના યુદ્ધ કરતા પણ મોટા પાયે ફેલાયો છે. પહેલા સંઘર્ષ પેલેસ્ટાઇન ક્ષેત્ર અને સરહદ ઇઝરાયલી સમુદાયોના વિસ્તારોમાં મર્યાદિત હતો, પરંતુ આ વખતે જેરુસલેમમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે.
કેટલાક રોકેટને તેલ અવીવ વિસ્તારમાં પણ નિશાન બનાવ્યા
કેટલાક રોકેટને તેલ અવીવ વિસ્તારમાં પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાઇલમાં પણ મોટા પાયે હિંસા ફેલાઈ ગઈ છે. ઘણા શહેરોમાં, આરબો અને યહૂદીઓના ટોળા રસ્તાઓ પર આવી રહ્યા છે અને ઉપદ્રવ ફેલાવી રહ્યા છે, લોકોને ખરાબ રીતે માર મારી રહ્યા છે. ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. હિંસાને કારણે દેશના મુખ્ય એરપોર્ટ પરથી ફ્લાઇટ્સને પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
ઇઝરાયેલે ગાઝામાં ત્રણ બહુમાળી ઇમારત પણ જમીન દોસ્ત કરી દીધી
સંઘર્ષને કારણે પેલેસ્ટાઇનના લોકો માટે માતમ સાથે પવિત્ર રમઝાનનો માસ સમાપ્ત થયો છે. સોમવારથી રોકેટ છોડવાને કારણે ઇઝરાયેલે ગાઝામાં ત્રણ બહુમાળી ઇમારત પણ જમીન દોસ્ત કરી દીધી અને કહ્યું કે, તેની પાસે હમાસની અનેક ઓફિસો હતા.
ઇઝરાઇલમાં પણ સાત લોકોનાં મોત
ઇઝરાઇલમાં પણ સાત લોકોનાં મોત થયાં છે. એન્ટી ટેન્ક મિસાઇલ એટેકમાં એક સૈનિકનું મોત થયું હતું અને રોકેટના હુમલામાં છ વર્ષના બાળકનું મોત થયું હતું.
ઘર પર પડ્યું રોકેટ
ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું છે કે હમાસે રહેણાંક વિસ્તારમાં લગભગ 130 રોકેટ છોડ્યા છે અને જેરૂસેલમમાં ભારે હિંસા આચરી. આવા જ એક રોકેટ હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું પણ મોત થયું. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટમાં કહેવાયું છે કે એક રોકેટ સૌમ્યાના ઘર પર જઈને પડ્યું. જેના કારણે તેમનું મોત થયું. તેમના પરિવારમાં 9 વર્ષનો પુત્ર અને પતિ છે.
આ પણ વાંચો: ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
યહૂદી અને મુસલમાનો અલ અક્સા મસ્જિતને પવિત્ર ગણે છે
અત્રેજણાવવાનું કે જેરૂસેલમમાં અલ અક્સા મસ્જિદમાં પેલેસાઈઈની અને ઈઝરાયેલી સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પેલેસ્ટાઈની પ્રદર્શનકારીઓના પથ્થરમારાના જવાબમાં ઈઝરાયેલી સુરક્ષાદળોએ રબર બુલેટનો ઉપયોગ કર્યો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘર્ષણ જેરૂસેલમની અલ અક્સા મસ્જિદ પરિસરમાં થઈ જેને યહૂદી અને મુસલમાનો બંને પવિત્ર ગણે છે.
580થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ઈઝરાયેલ અને ઈઝરાયેલની બર્બાદી ઈચ્છતા ઈસ્લામી આતંકી સંગઠન હમાસે ત્રણ જંગ લડી અને ગાઝા પર આતંકી સંગઠનના 2007માં થયેલા કબ્જા બાદથી પણ અનેકવાર ઝડપ જોવા મળી. પૂર્વમાં ઈઝરાયેલ અને ગાઝા પર શાસન કરનારા હમાસ વચ્ચે થનારો સરહદી સંઘર્ષ થોડા સમયમાં સમાપ્ત થઈ જવાનો હતો જેનું કારણ મોટાભાગે પડદા પાછળ કતાર, ઈજિપ્ત અને અન્ય દેશો દ્વારા થતી મધ્યસ્થતા બની રહેતી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રતિરક્ષાના અધિકારના સમર્થન માટે હાકલ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ નેતન્યાહુને ફોન કરીને ઇઝરાઇલના પ્રતિરક્ષાના અધિકારના સમર્થન માટે હાકલ કરી હતી. યુએસ વિદેશ પ્રધાન એન્ટોની જે. બ્લિંકેને નેતન્યાહુને પોતાનો બચાવ કરવાનો ઇઝરાઇલના અધિકારને ટેકો આપવા હાંકલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ તણાવને સમાપ્ત કરવાના પ્રયત્નના ભાગ રૂપે એક વરિષ્ઠ રાજદ્વારીને મોકલી રહ્યા છે.
બુધવારે નાનકડા વિરામ બાદ 1 ડઝનથી વધુ હવાઈ હુમલા
ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં બે બહુમાળી ઇમારતોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાઇલે પ્રથમ ચેતવણી આપતા ફાયરિંગ શરૂ કર્યું હતું. જેથી નાગરિકો મકાન છોડી શકે, પરંતુ બાકીની સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, બુધવારે ટૂંકા વિરામ બાદ ઇઝરાયેલે પોલીસ અને સુરક્ષા મથકો પર નિશાન સાધતા અંદાજે 1 ડઝન હવાઇ હુમલા કર્યા હતા.
ગાઝા સિટી સેન્ટ્રલ પોલીસ હેડક્વૉટર્સ સંપૂર્ણ રીતે નષ્ટ
હમાસ સંચાલિત આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે, ગાઝા સિટી સેન્ટ્રલ પોલીસ હેડક્વૉટર્સ ઇઝરાયેલના હવાઈ હુમલામાં નાશ પામ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આશરે 300 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તે જ સમયે, મંગળવાર અને બુધવારે વહેલી સવારે રોકેટ હુમલામાં 3 મહિલાઓ અને 1 બાળક સહિત 5 ઇઝરાઇલીઓ માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
UN સિક્યુરિટી કાઉન્સિલ બેઠક યોજશે
ઇજિપ્ત અને સંયુક્ત રાષ્ટ્ર આ બન્ને પક્ષો વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પર વિરામ લગાવવાનું કામ કરી રહ્યા છે. આ મુદ્દે બુધવારે UN સિક્યુરિટી કાઉન્સિલની બીજી બેઠક બંધ બારણે આગામી ત્રણ દિવસમાં યોજવાની શક્યતા છે. ગુપ્તતાની શરતે કાઉન્સિલના રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી સંસ્થાએ કોઈ નિવેદન જારી કર્યું નથી. કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સને ચિંતા છે કે, તેનાથી તણાવ વધી શકે છે.