- ઇદલિબ પ્રાંતની તાલીમ શિબિર પર હુમલો
- રશિયાએ હુમલો કરાવ્યો હોવાનું અનુમાન
બૈરૂત: સીરિયાના ઇદલિબ પ્રાંતના બળવાખોર સંગઠન ફૈલાક અલ શામ દ્વારા સંચાલિત તાલીમ શિબિર પર એર સ્ટ્રાઇક થતા 50થી વધુ લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તો માટે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટના બાબતે હજુસુધી રશિયા તેમજ તુર્કી તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. તુર્કી સમર્થિત સીરિયાના વિપક્ષીય સમૂહના પ્રવક્તા યુસૂફ હમૂદે જણાવ્યું હતું કે ફૈલાક અલ શામ એ તુર્કીના અનેક વિશાળ તેમજ શિસ્તબદ્ધ આર્મી સંગઠનોમાંનું એક છે.
તાલીમ શિબિરોનું આયોજન કરતા અધિકારીઓનું પણ મોત
સીરિયાના બળવાખોર સંગઠનોને તુર્કીએ સમર્થન આપી સેનાના અનેક જવાનોને લીબિયા અને અઝરબૈજાનના મિલિટરી કેમ્પ ખાતે મોકલ્યા હતા. તુર્કીની સરહદે આવેલા જેબેલ-અલ-દ્વેલીયામાં નવા જોડાયેલા વિદ્રોહીઓને તાલીમ આપવામાં આવતી હતી. આ કેમ્પમાં તાલીમ શિબિરોનું આયોજન કરતા અધિકારીઓનું પણ આ ઘટનામાં મોત થયું છે. આ વિસ્તારમાં ચાલી રહેલા રાહત કાર્યોને લીધે મીડિયાને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી.
હુમલામાં રશિયાની ભૂમિકા હોવાની આશંકા
આ હુમલો રશિયા દ્વારા કરાવવામાં આવ્યો હોવાનું સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે અનુમાન લગાવ્યું છે. હુમલાના સ્થળ પાસે આવેલી હોસ્પીટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ રહી છે. કેમ્પથી 24 કીમી દૂર આવેલી ઇદલીબની સેન્ટ્રલ હોસ્પીટલના એક તબીબે જણાવ્યું હતું કે હોસ્પીટલમાં 2 મૃતદેહો અને 11 ઇજાગ્રસ્તો દાખલ કરવામાં આવ્યા છે.