સુરતઃ સુરતના મગદલ્લા ગામ ખાતે ગત 11મી નવેમ્બરના રોજ એક ઘરમાંથી લાખો રૂપિયાના ઘરેણાંની ચોરીઓ થઇ હતી. જે મામલે પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી હતી. જેની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ચોરી કરવાના આરોપમાં બીજુ કોઈ નહીં પણ ખુદ ફરિયાદીનો સાળો જ હોવાનું સામે આવ્યું છે.
દીવાલમાં સોનું સંતાડી ચણતર કરી દીધું હતુંઃ આ બનાવમાં ફરિયાદીએ પોલીસને 137.05 ગ્રામ નદાગીના નાની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. જે મામલે આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આ ચોરને શોધવાનું પ્રારંભ કર્યું હતું. જે તપાસમાં ફરિયાદીના સાળાએ જ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી જયકુમાર ભંડારીની ધરપકડ કરી સંઘન પૂછપરછ કરતા ચોરી કરેલા ઘરેણાં પોતાના ઘરમાં દીવાલમાં ચણતર કરી સંતાડી રાખ્યા હતા. પોલીસે ત્યાં દીવાલ તોડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
બનેવી પાસે માગ્યા હતા રૂપિયા ના આપ્યા તો કરી ચોરીઃ આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના પી આઈ કે.આઈ.મોદીએ જણાવ્યું કે, સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મગદલ્લા ગામમાં ફરિયાદી અમૃતભાઈના ઘરમાં 137.05 ગ્રામ નદાગીના નાની ચોરીઓ થઇ હતી. જે મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયું હતું. આ તપાસમાં પોલીસની જાણવા મળ્યું કે, ફરિયાદી અમૃતભાઈના સાળા જયકુમાર ભંડારીએ 137.05 ગ્રામ નદાગીના નાની ચોરી કરી હતી. જેમાં કુલ મુદ્દામાલ 5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરીનો હતો. જે પાલપુર પાટીયા પાસે સુમનદીપ આવાસમાં રહે છે. તેને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી સઘન પૂછપરછ કરતા તેણે ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું. આરોપી જયકુમાર ભંડારીને એકટીવા લેવાની હતી જેમાં તેમને 20000 રૂપિયા ઘટતા હતા જેથી આ ચોરી કરી હતી. જોકે ચોરી કરતા પહેલા આરોપીએ તેમના બનેવી ફરિયાદી અમૃતભાઈ પાસે રૂપિયા 20,000 માંગ્યા હતા પરંતુ તેઓ આપ્યા નહીં.
ફરિયાદી પોતે મગદલ્લાના સાઈબાબા મંદિર ખાતે પૂજારી છે. તેઓ જ આરોપીને મંદિરમાં રૂપિયા 5000ના વેતનમાં મંદિરમાં કામે લગાવ્યો હતો. પરંતુ રૂપિયા 20,000 નહીં આપતા તેમને આ વાતનું ખોટું લાગ્યું હતું. જેથી તેઓ આ ચોરીના ગુન્હાને અંજામ આપ્યો હતો. તેઓ ચોરી કરેલો તમામ મુદ્દામાલ તેમના આવાસ ખાતે બેડરૂમના અભરાઈમાં કાણું પાડી ત્યાં છુપાવીને રાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ તમામ મુદ્દામાલ ત્યાંથી જપ્ત કર્યા છે. આ ટોટલ મુદ્દામાલ 249.78 ગ્રામ છે. જેની કિંમત રૂપિયા 16,22,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 16,22,000 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.