લંડન: કરોડ રtપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં પ્રત્યાર્પણનો સામનો કરી રહેલા ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા આજે લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં હાજર થયાં હતાં. કોર્ટમાં આજે ભારતમાં પ્રત્યાર્પણની વિરૂદ્ધ માલ્યાએ કરેલી અપીલની આજે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન માલ્યાના વકીલોએ દાવો કર્યો હતો કે, પ્રત્યાર્પણ અંગેના મેજિસ્ટ્રેટના આદેશમાં અનેક ભૂલો છે.
64 વર્ષીય વિજય માલ્યા તેમના વકીલ સાથે કોર્ટમાં આવ્યા હતા. તેમણે એટલું જ કહ્યું હતું કે, તેઓ અહીં સુનાવણી માટે આવ્યાં છે. એપ્રિલ 2017માં પ્રત્યાર્પણ વોરંટ અંગે થયેલી ધરપકડ પછી તેઓ હાલમાં જામીન પર છે. આ કાર્યવાહી ત્રણ દિવસ ચાલશે. માલ્યાના વકીલ મૌખિક દલીલ કરશે અને ભારત સરકારવતી બ્રિટનના સરકારી વકીલ બુધવારે જવાબ આપશે. ગુરુવારે દલીલ પૂરી થયા પછી કોર્ટ ચુકાદો આપશે.
માલ્યાને જામીન પર મુકત કરી દેવામાં આવ્યાં હતાં. તેઓ હાલમાં જામીન પર બહાર છે. માલ્યાના વકીલોએ ન્યાયમૂર્તિ સ્ટીફન ઇર્વિન અને ન્યાયમૂર્તિ લેઅંગને જણાવ્યું હતું કે ડિસેમ્બર, 2018માં ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે પ્રત્યાર્પણના સમર્થનમાં આપેલા ચુકાદામાં અનેક ખામીઓ રહેલી છે.
માલ્યાના વકીલ કલેર મોન્ટ્ગોમેરીએ જણાવ્યું હતું કે, જ્યારે માલ્યાએ બેંકો પાસેથી લોન લીધી ત્યારે તેમનો ઇરાદો બેંકો સાથે છેતરપિંડી કરવાનો નહોતો. વકીલે વધુમાં જણાવ્યું છે કે, ન્યાયમૂર્તિ એમ્મા અર્બુથનોટે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા વગર જ ચુકાદો આપી દીધો હતો. માલ્યાએ કરેલી અપીલ અંગે ત્રણ દિવસ સુનાવણી ચાલશે.