લંડન: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વર્તમાન કટોકટીમાં WHOને (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ) સમર્થન કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ વાઈરસ સામેની લડાઈમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંચાલન માટેના સંસાધનો ઘટાડવાનો આ યોગ્ય સમય નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આર્થિક સહાય બંધ કરી દીધા બાદ ગુટેરેસે આ નિવેદન આપ્યું હતું.
ગુટેરેસે કહ્યું હતું કે, 'મારું માનવું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને સમર્થન આપવું જોઈએ. કારણ કે, કોરોના વાઈરસ (COVID-19) સામેના યુદ્ધને જીતવા માટે સમગ્ર વિશ્વ દ્વારા પ્રયાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.'
ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના પ્રસારને છુપાવવા તેમજ તેનું સંચાલન કરવાનો આરોપ અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર લગાવ્યો છે. અમેરિકા આ બાબતોની તપાસ કરી રહ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આર્થિક સહાય અટકાવી દીધી છે.