- તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો યથાવત
- રવિવારે સવારે તાલિબાને જલાલાબાદ અને વર્દાક પર કબજો કર્યો
- રવિવારે બપોરે કાબુલને ચોતરફથી ઘેર્યું, પૂર્વ તરફથી સંપર્કવિહોણું કર્યું
કાબુલ: બે દાયકાની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન અને નાટો દળોના સૈનિકોને પરત બોલાવવામાં આવી રહ્યા છે. જોકે, તમામ સૈનિકો પરત ફરે તે પહેલા તાલિબાન દેશને ચારે બાજુથી કબજે કરી રહ્યું છે. રવિવારે સવારે રાજધાની કાબુલથી થોડે જ દૂર આવેલ જલાલાબાદ પર કબજો કર્યો હતો, જેના કારણે કાબુલ દેશના પૂર્વ ભાગથી કપાઈ ગયું હતું. જ્યારબાદ બપોર સુધીમાં તાલિબાનીઓએ કાબુલને ચોતરફથી ઘેરી લીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
કાબુલને બાદ કરતા માત્ર 7 પ્રાંતીય રાજધાનીઓ બાકી
હવે અફઘાનિસ્તાનની સરકાર હેઠળ દેશની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી કાબુલ સિવાય માત્ર સાત અન્ય પ્રાંતીય રાજધાનીઓ બાકી છે. તાલિબાને રવિવારે સવારે કેટલાક ફોટો બહાર પાડ્યા હતા, જેમાં તેમના માણસો નાંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં ગવર્નરની ઓફિસમાં જોઈ શકાય છે. પ્રાંતના સાંસદ અબરુલ્લા મુરાદે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, ઉગ્રવાદીઓએ જલાલાબાદ પર કબજો કરી લીધો છે.
શાંતિથી સત્તા સોંપો, નહિ તો બળપ્રયોગ કરાશે
કાબુલને ઘેર્યા બાદ સ્થાનિકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને લોકો તાત્કાલિક શહેર છોડવા માટે દોડભાગ કરી રહ્યા છે. આ વચ્ચે તાલિબાને જણાવ્યું હતું કે, જો શાંતિપૂર્વક રીતે સત્તા સોંપવામાં આવશે, તો બળપ્રયોગ નહિં થાય. આ સાથે પાકિસ્તાન બોર્ડર પણ તાલિબાનીઓ દ્વારા બંધ કરી દેવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.