- અફગાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકો સહિત કુલ 72ના મોત
- ઉપરાષ્ટ્રપતિ સાલેહે કહ્યું, ISIS-K અને તાલિબાન વચ્ચે સંબંધ છે
- ચીને હુમલાની નિંદા કર્યા બાદ પણ પોતાની એમ્બેસી ચાલુ રાખી
કાબુલ: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અને અશરફ ગનીના દેશ છોડ્યા બાદ ખુદને કાર્યવાહક રાષ્ટ્રપતિ ઘોષિત કરનારા અમરુલ્લાહ સાલેહે જણાવ્યું હતું કે, તાલિબાન ISIS સાથે પોતાના સંબંધો ન હોવાનું જણાવી રહ્યું છે. આ તો એવું થયું કે, પાકિસ્તાન આતંકી સંગઠન ક્વેટા અંગે દાવો કરી રહ્યું હોય. અમારી પાસે હયાત તમામ પુરાવાઓ જણાવે છે કે, ISIS-Kના મૂળમાં તાલિબાની અને હક્કાની નેટવર્ક છે, જે કાબુલમાં સક્રિય છે.
150થી વધુ લોકો ઈજાગ્રસ્ત
તાજેતરમાં કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકો સહિત કુલ 72 લોકોના મોત નિપજી ચૂક્યા છે. મૃતકોમાં 60 અફગાની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોનો આંકડો 90 જેટલો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 150થી વધુ હોવાનું સામે આવ્યું છે.
ચીન દ્વારા હુમલાની કરાઈ નિંદા, પરંતુ કાબુલમાં કામગીરી યથાવત
ચીન દ્વારા ગઈકાલે ગુરુવારે થયેલા કાબુલ એરપોર્ટ પાસેના બ્લાસ્ટને લઈને દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે કાબુલમાં પોતાની તમામ કામગીરી યથાવત રાખી છે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તાલિબાન તરફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યુ હોવાથી તેમને ડરવાની જરૂર નથી.