નવી દિલ્હી: ફ્રાંસથી ભારત આવેલા રાફેલ ફાઇટર જેટની અસર હવે લદ્દાખ સરહદે દેખાઈ રહી છે. રાફેલના ડરથી ચીને તેના સૌથી આધુનિક J-20 ફાઇટર જેટને લદ્દાખથી 200 માઇલ દૂર તેના હોટન એરબેઝ પર તૈનાત કર્યા છે. અગાઉ આ લડાકુ વિમાનો આ એરબેઝ પર પહેલા ક્યારેય જોવા મળ્યા ન હતા. ચીનના મીડિયામાં J-20 જેટના ફોટા વાઇરલ થઇ રહ્યા છે. લદ્દાખ નજીક J-20 જેટની તૈનાતી બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે.
ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ વિશ્લેષકના જણાવ્યા અનુસાર, J-20 લડાકુ વિમાનો તાજેતરમાં લદ્દાખ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે. ચીન પાસે કુલ 40 J-20 વિમાન છે. ઉત્તર ભારત પાસે આવેલા પોતાના વિસ્તારમાં ચીન તેની હવાઇ શક્તિ સતત વધારી રહ્યું છે. ચીને ભારત સીમા પાસે પરમાણુ વિમાનથી હુમલો કરવામાં સક્ષમ અને ડ્રોન વિમાન જેવા આધુનિક ફાઇટર જેટ તૈનાત કર્યા છે. આ સિવાસ ચીન નવા એરબેઝ પણ બનાવી રહ્યું છે. ચીન ભારત પાસે આવેલી સીમાઓ પર આવેલા એરબેઝને સતત અપગ્રેડ કરી રહ્યું છે. ચીનના આ એયરબેઝ ભારતના લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારો સાથે જોડાયેલા છે.
ચીને ભારતથી થોડે દૂર આવેલા સૈન્ય મથક પર DF-26 મિસાઇલો પણ તૈનાત કરી છે. ચીને J-11, JH-7 અને ડ્રોન વિમાનને લદ્દાખ પાસે આવેલા તેના એરબેઝ પર તૈનાત કર્યા છે. આ ઉપરાંત, ચીન તશકુર્ગાન અને કેરિયામાં વધુ બે એરબેઝ બનાવી રહ્યું છે.