બેઈજિંગ: ચીને ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીન પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવા પ્રતિબદ્ધ છે. આ દરમિયાન ચીન ગુપ્ત રીતે ભૂગર્ભ પરમાણુ પરિક્ષણો કરી રહ્યું છે તેવો આરોપ અમેરિકાએ કર્યો હતો. આ આરોપોને ચીને પાયાવિહોણા અને બદઈરાદાપૂર્વકના ગણાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે એક સમાચારને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, ચીન એક ગુપ્ત ભૂગર્ભ પરમાણુ પરિક્ષણની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ચીન દાવો કરે છે કે, તે આવા વિસ્ફોટક પરિક્ષણો અંગેના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો કરારનું પાલન કરે છે.
હોંગકોંગથી પ્રકાશિત યુ.એસ.ના સમાચારનો ઉલ્લેખ કરતા ચીને જણાવ્યું કે, અમેરિકાની ચિંતા પરમાણુ વિસ્ફોટો માટે ચીન દ્વારા નિર્ધારિત ઝીરો-ઈલ્ડ ધોરણના સંભવિત ઉલ્લંઘન અંગે છે, 2019માં આખા વર્ષ દરમિયાન ચીનના લોપ પરીક્ષણ સ્થળ પર ચાલી રહેલી ગતિવિધિઓને કારણે છે. ઝીરો ઈલ્ડ એ પરમાણુ પરિક્ષણનો ઉલ્લેખ કરે છે, જેમાં પરમાણુ હથિયારનો વિસ્ફોટ કે શ્રેણીબદ્ધ વિસ્ફોટો પર પ્રતિબંધ છે.
યુ.એસ.ના આરોપના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને જણાવ્યું હતું કે, વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (CTBT) પર હસ્તાક્ષર કરનારા પ્રથમ દેશોમાં ચીન છે અને હંમેશા તેના હેતુ અને લક્ષ્યને સમર્થન આપે છે.
ઉલ્લેખનીય છે કે, CTBTએ બહુપક્ષીય સંધિ છે. જેમાં લશ્કરી અને નાગરિક હેતુ માટે કોઈપણ જગ્યા પર પરમાણુ પરિક્ષણ કરવા પર પ્રતિબંધ છે.
ઝાઓએ જણાવ્યું કે, ચીન પરમાણુ પરિક્ષણ પર પ્રતિબંધ મૂકવા પ્રતિબદ્ધ છે. ચીનની સરહદની અંદર સ્થાપિત મોનિટરિંગ સ્ટેશનોને CTBT સચિવાલયએ માન્યતા આપેલી છે. અમેરિકાએ તમામ તથ્યોને નજરઅંદાજ કરીને ચીન પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. આ એક બેજવાબદાર અને બદ-ઈરાદા સાથે કરેલું નિવેદન છે. પરમાણુ નીતિની સમીક્ષામાં યુ.એસ.એ જણાવ્યું હતું કે, જો જરૂર પડે તો અમેરિકા ભૂગર્ભ પરીક્ષણ ફરી શરૂ કરશે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ અંગે સતર્ક રહેવું જોઈએ. અમે આ બાબતે અમેરિકાને પોતાનું વલણ બદલવા હાકલ કરીએ છીએ.