વુહાનઃ ચીનના વુહાન શહેરથી પ્રસરેલો ભયાનક કોરોના વાઇરસ આજે દુનિયાભરમાં સનસનાટી મચાવી રહ્યો છે, ત્યારે આ વાઇરસે અત્યાર સુધીમાં આશરે 81 હજાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને પણ પાર કરી ગઈ છે. હવે આખી દુનિયા લોકડાઉનમાં છે, ત્યારે ચીનનું વુહાન શહેર ફરી ધમધમતુ થવા જઈ રહ્યું છે.
![China's virus pandemic epicenter Wuhan ends 76-day lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6705681_pic4.jpg)
વુહાનમાં કોરોના વાઈરસના સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો. પહેલા વાહનવ્યવહારની તમામ સુવિધાઓ શરૂ થઈ જશે. રેલવે અને વિમાન સેવા પૂર્વવત થશે, તેમજ લોકો પોતાના વાહનોમાં બેસીને શહેર બહાર જઈ શકશે. ચીન સરકારે આ નિર્ણય મંગળવારે મોતનો એક પણ કિસ્સો સામે નહીં આવ્યા બાદ લીધો છે. 1.1 કરોડની વસ્તીવાળા વુહાન શહેર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત હતું. ચીનના કુલ 82 હજાર કોરોના સંક્રમિત લોકોમાંથી 50 હજાર આ શહેરમાં હતા. કુલ 3331 મૃતકોમાંથી 2500ના મોત તો માત્ર વુહાન શહેરમાં જ થઈ ગયાં હતા.
![China's virus pandemic epicenter Wuhan ends 76-day lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6705681_pic3.jpg)
વુહાન શહેરમાં લોકડાઉન ખુલવા છતાં અમુક નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યાં છે. આ શહેરે ઈતિહાસનું સૌથી મોટું લોકડાઉન જોયું છે. 23 જાન્યુઆરી બાદ આ લોકડાઉન વધારે કડક બનતુ ગયું હતું. કોરોના વાઈરસના ફેલાવા સાથે લોકડાઉન પણ સંપૂર્ણ હૂબેઈ પ્રાંતમાં લાગૂ કરી દેવામાં આવ્યું હતું. જેથી 6 કરોડ લોકો ઘરમાં કેદ થઈ ગયાં હતાં. જો કે, હવે 76 દિવસ બાદ વુહાનવાસીઓને આઝાદી મળી છે.