વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પરથી જ્યોર્જ ફ્લોઈડના મોતની શ્રદ્ધાંજલિનો વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ટ્વીટરે કોપીરાઈટ ફરિયાદને આધારે આ વીડિયો ડિલીટ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પનાં ટ્વીટર એકાઉન્ટ પર 4 જૂને આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં અશ્વેત જ્યોર્જ ફ્લોઈડને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ટ્વીટર પર આ પોસ્ટને અત્યાર સુધીમાં 14 હજાર લાઈક્સ અને 6 હજાર રિટ્વીટ્સ મળ્યા છે. જ્યારે 1.7 હજાર લોકોએ કોમેન્ટ કરી હતી. ટ્વીટરે આ વીડિયો ડિલીટ કરતાં કહ્યું કે, કોપી રાઈટ ઓનર દ્વારા મળેલી ફરિયાદોને આધારે આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 3 મિનિટ અને 45 સેકન્ડનો આ વીડિયો 3 જૂને શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં શાંતિપૂર્ણ રીતે થતાં વિરોધ પ્રદર્શન, ગંભીર દુર્ઘટના અને હિંસા ફેલાતા ગ્રૂપ વિશે વાત કરવામાં આવી છે.