વોશિંગ્ટનઃ કોરોના વાયરસની અસરના ભયના પગલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વોશિંગ્ટનના પ્રવાસે આવેલા આયરલેન્ડના વડાપ્રધાન લીઓ વરદકરે ગુરૂવારે અહીંના વ્હાઇટ હાઉસમાં 'નમસ્તે' કહીને એકબીજાને ભારતીય પરંપરાથી અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું કે કોરોના વાયરસને કારણે આ જરૂરી છે.
ઓવલ હાઉલ (અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય)માં પત્રકારોએ પૂછ્યું કે, તે કેવી રીતે એક-બીજાનું અભિવાદન કરશે, ત્યારે ટ્રમ્પે અને ભારતીય મૂળ વરદકરે હાથ જોડીને એક-બીજાને નમસ્તે કહ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે, આજે અમે હાથ મિલાવીશું નહીં. અમે એક-બીજાને જોઈને કહીશું કે અમે શું કરશું. તમે જાણો છો આનાથી થોડું અજૂગતું લાગશે.
જ્યારે અન્ય એક પત્રકારે પૂછ્યું કે શું તેઓ હાથ મિલાવશે, ત્યારે વરાદકરે હાથ જોડીને નમસ્તે કહ્યું અને પત્રકારોને બતાવ્યું કે, કેવી રીતે તે રાષ્ટ્રપતિનું અભિવાદન કરશે. ટ્રમ્પે પણ હાથ જોડીને નમસ્તે કર્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે, હું તાજેતરમાં ભારતથી પરત આવ્યો છું અને ત્યાં મેં કોઈ સાથે હાથ મિલાવ્યો નહોતો અને આ સરળ હતું કારણ કે, ત્યાં આ(નમસ્તે કહેવાની) પરંપરા છે. એની સાથે જ તેમણે બીજી વખત નમસ્તે કહીને હાથ મિલાવ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોઈ તમારી સામેથી નીકળે અને 'હાઈ' કહે તે અજૂગતું લાગે છે.