હૈદરાબાદઃ દેશભરમાં વિરોધનો સામનો કરી રહેલા 'આદિપુરુષ'ને પડોશી દેશ નેપાળમાંથી મોટી રાહત મળી છે. નોંધપાત્ર વાત એ છે કે, નેપાળે 'આદિપુરુષ'ના કારણે બોલિવુડ ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે નેપાળ કોર્ટે પોતાના નિર્ણયમાં 'આદિપુરુષ' પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. અહીં નેપાળના એક મેયર કોર્ટના આ નિર્ણયથી નારાજ છે. કોર્ટના આ નિર્ણય બાદ મેયરે પડકાર ફેંક્યો કે સજા માટે પોતે તૈયાર રહે.
નેપાળમાં પ્રતિબંધ હટાવ્યો: નેપાળે 'આદિપુરુષ' અને બોલિવુડ પર શા માટે પ્રતિબંધ મૂક્યો હતો અને પ્રતિબંધ હટાવ્યા બાદ નેપાળના આ મેયર કેમ ઉશ્કેરાયા, આ બધું તમે આ સમાચારમાં જાણી શકશો. 'આદિપુરુષ' પરના પ્રતિબંધને હટાવવાના નિર્ણયમાં નેપાળની અદાલતે સત્તાવાળાઓને કહ્યું છે કે, જ્યારે દેશના સેન્સર બોર્ડે ફિલ્મને કોઈ વાંધો લીધા વિના પાસ કરી દીધી છે, ત્યારે તેના પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ નથી.
કાઠમંડુના મેયર ગુસ્સામાં: નેપાળ કોર્ટે આ નિર્ણય 'આદિપુરુષ' ફિલ્મ જોયા બાદ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય પર કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહે નારાજગી વ્યક્ત કરી છે અને મોટો પડકાર પણ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેયર બલેન્દ્ર શાહ કોર્ટના નિર્ણયથી નારાજ થયા હતા અને કહ્યું હતું કે, હું આ માટે કોઈપણ સજા ભોગવવા તૈયાર છું, પરંતુ ફિલ્મને ચાલવા નહીં દઉં. નેપાળ કોર્ટના આ નિર્ણય બાદ કાઠમંડુના મેયરે નેપાળ સરકાર અને કોર્ટને કહ્યું કે, તેઓને ભારતના ગુલામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રતિબંધ લગાવવાનું કારણ: 'આદિપુરુષ' ફિલ્મમાં માતા સીતાને ભારતની પુત્રી ગણાવતાં નેપાળ ગુસ્સે થઈ ગયું હતું અને ત્યાંના મેયરે આ 'આદિપુરુષ'ની સાથે તમામ હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. નેપાળના મેયરનું કહેવું છે કે, સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો અને તે નેપાળની પુત્રી છે. મેયરે એમ કહીને ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો કે, જ્યાં સુધી ફિલ્મમાંથી આ વિવાદાસ્પદ ડાયલોગ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ નેપાળમાં ચલાવવા દેવામાં આવશે નહીં.