મુંબઈ: ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' તારીખ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સુપરસ્ટાર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. 'આદિપુરુષ'ને રિલીઝ થયાના દિવસથી દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મને શરૂઆતથી જ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જેનું કારણ છે તેના ખરાબ ડાયલોગ્સ અને VFX. આ કારણે ફિલ્મને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. જેની અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ પડી છે.
આદિપુરુષ કલેક્શન ડે 15: આ બધાની વચ્ચે આદિપુરુષે થિયેટરોમાં બે અઠવાડિયા પૂરા કર્યા છે અને હવે લાગે છે કે, આ ફિલ્મ વધુ સમય નહીં ચાલે. 500 કરોડના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી. બીજી તરફ જો આપણે તેના કલેક્શન વિશે વાત કરીએ તો આ ફિલ્મ હજી પણ ઘરેલુ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. તારીખ 30 જૂને આદિપુરુષે કુલ રૂપિયા 282.33 કરોડની કમાણી કરી હતી.
આદિપુરુષ ફિલ્મ વિવાદ: 'આદિપુરુષ' એ રામાયણ પર આધારિત ફિલ્મ છે, પ્રભાસ સ્ટારર ફિલ્મ દેશભરમાં 3Dમાં રિલીઝ થઈ હતી. માત્ર દેશમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસે રાઘવની ભૂમિકા ભજવી હતી, કૃતિ સેનને જાનકીની ભૂમિકા ભજવી હતી અને સૈફ અલી ખાને લંકેશની ભૂમિકા ભજવી હતી. આ સિવાય સની સિંહે લક્ષ્મણનું પાત્ર ભજવ્યું છે અને દેવદત્ત નાગે હનુમાનનું પાત્ર ભજવ્યું છે.