અમરેલી બેઠકમાં 5 વિધાનસભા બેઠક છે, જેના પર કોંગ્રેસની સત્તા છે. પાણી એ અમરેલીની કાયમી સમસ્યા રહી છે. પાણીની સમસ્યાને લીધે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સ્થળાંતર થતું રહ્યું છે. સૌની યોજના અને નર્મદા યોજના હોવા છતાં અમરેલી પાણી માટે વલખાં મારતું રહ્યું છે. રોજગારીની સમસ્યા અહીં પ્રાણનો પ્રશ્ન ગણાય છે. મોટા ઉદ્યોગોની ગેરહાજરીને લીધે વિકાસના અનેક અંતરાયો યથાવત છે. પીપાવાવ બંદરમાં અપેક્ષા મુજબના હજુ કોઈ મોટા ઉદ્યોગો આવ્યાં નથી.
આ વિસ્તારમાં પાટીદારો સિવાય કોળી અને આહીર સમાજની વસ્તી વધુ છે. વાત કરીએ સાંસદની કામગીરીની તો નારણ કાછડિયા ભાજપના જૂના જોગી અને સત્તા પક્ષના હોવા છતાં કામની સક્રિયતાનો અભાવ રહ્યો છે. કાછડિયા સામે બીજી ટર્મની ઉદાસીનતા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેરહાજરીની ફરિયાદો થતી રહી છે.
આ વખતે કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલતા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે, તો ભાજપે પોતાના જૂના જોગી નારણ કાછડિયાને રિપીટ કર્યાં છે. અહીં કડવા-લેઉઆ પાટીદાર વચ્ચેની કડવાશ બહુ તીવ્ર છે. ભાજપ જો સ્થાનિક લેઉઆ પાટીદારોને સાથી બનાવશે તો પરેશભાઈ માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે. હાલમાં તો કોંગ્રેસ માટે આ બેઠક જીતની આશા સમાન બની છે.