વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને દોરવણી હેઠળ વડોદરા જિલ્લા મહેસુલી વિભાગ સતત સજાગ અને સતર્ક કામગીરી કરી રહ્યું છે તેની એક કડીના રૂપમાં ગત્ત ડીસેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ જમીનોને લગતા ૩૫૫ કેસોનો નિકાલ કરવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મહેસૂલ મંત્રીના માર્ગદર્શન પ્રમાણે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવએ ગત્ત ડીસેમ્બર મહિનામાં આ પ્રકારના અને ૬ માસ કરતા વધુ સમય થી પડતર હોય એવા કેસોના તાત્કાલિક નિકાલનું અભિયાન હાથ ધરવાની સૂચના આપી હતી. જેના માર્ગદર્શન હેઠળ આ વ્યૂહરચનાને ધારી સફળતા મળી છે અને સુસંકલિત કામગીરી હાથ ધરવાને પરિણામે ડીસેમ્બર મહિનામાં ગ્રામીણ વિસ્તારના તકરારી જમીનોના(આર.ટી.એસ.),શહેરી વિસ્તારોની તકરારી જમીનોના (સી.ટી.એસ.) અને લેન્ડ અપીલના ૩૫૫ કેસોનો નિકાલ લાવવાની વિક્રમજનક કામગીરી શક્ય બની હતી. ગત્ત નવેમ્બર ૨૦૧૯ના અંતે આ પ્રકારના કુલ ૫૪૬ કેસો પડતર હતા. એક જ માસમાં આટલી સંખ્યામાં કેસોના નિકાલની જહેમત ભરી, ગતિશીલ અને ત્વરિત કામગીરીના પગલે ડીસેમ્બર ૨૦૧૯ના અંતે ૬ માસ કરતાં વધુ સમય થી પડતર હોય એવા ઉપરોક્ત પ્રકારના કોઈ કેસો પડતર નથી.