- કારેલીબાગનાં રહેણાંક વિસ્તારમાંથી ચલાવાઈ રહ્યો હતો ડ્રગ્સનો વેપલો
- એસ.ઓ.જી.એ દરોડા પાડીને એક મહિલા સહિત બે લોકોને ઝડપી પાડ્યા, એક આરોપી વૉન્ટેડ
- 9.38 ગ્રામ એમ.ડી ડ્રગ સહિત કુલ 1.20 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરાઃ શહેરના કારેલીબાગ બહુચરાજી રોડ પર આવેલા નાનજી ચેમ્બરમાં યુવાધનને રવાડે ચડાવવા નશીલા ઇન્જેક્શનોનો ગોરખ ધંધો ચાલતો હોવાની બાતમી એસ ઓ જી ને મળતા દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે મહિલા અને તેના એક સાગરીતને પ્રતિબંધિત એમડી ડ્રગ્સ અને મોબાઇલ સહિત 1.20 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકડાઉનનાં કારણે પોલીસ ઠેર-ઠેર ચેક પોસ્ટ ઊભા કરીને વાહન ચેકિંગ કરતી હતી. જેના કારણે ડ્રગ્સ હેરાફેરી પર ઘણો ખરો અંકુશ આવી ગયો હતો. પરંતુ લૉકડાઉનમાં છૂટછાટ મળતા જ ડ્રગ્સ માફિયાઓ ફરીથી સક્રિય થયા છે. જેમાં ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનો આ કિસ્સો એસઓજી એ પર્દાફાશ કર્યો હતો. શહેરનાં કારેલીબાગ બહુચરાજી રોડ પર આવેલા નાનજી કેમ્પસમાં યુવાધનને રવાડે ચઢાવવા માટેના ડ્રગ્સ તથા નશીલા ઈન્જેક્શનનો ગોરખધંધો ચાલતો હોવાની માહિતી મળી હતી. એસ.ઓ.જી.એ મોડી સાંજે ત્યાં દરોડા પાડીને એક મહિલા સહિત કુલ બે લોકોને ઝડપી પાડ્યા હતા.
નડિયાદનાં ડ્રગ માફિયા મહંમદ સફી દિવાન પાસેથી લાવ્યા હતા ડ્રગ્સ
SOGએ ઈમ્તિયાઝની પૂછપરછ કરતાં તેણે મહિલા સાથે મળીને એમડી ડ્રગ્સ તથા ઇન્જેક્શનનું વેચાણ કર્યા હોવાની કબુલાત કરી હતી. મહિલાની જડતી કરતા બે થેલી મળી આવી હતી. જ્યારે, ઘરમાં તિજોરી ચેક કરતા નાના પર્સમાંથી છ નાની-નાની થેલીઓ સહિત 30 મિલિગ્રામ ના આઠ નંગ પેન્ટાઝોસીન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા હતા. એસઓજીની પૂછપરછમાં માહિતી મળી હતી કે, ઈમ્તિયાઝ અગાઉ 2018માં પણ ડ્રગ્સ સાથે પકડાયો હતો. સયાજીગંજ વિસ્તારનાં પરશુરામ ભઠ્ઠામાં રહેતો મૂળ નડિયાદનો ડ્રગ માફિયા મહંમદ સફી મિસ્કિનસા દિવાન ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની હકીકત સપાટી પર આવી હતી.એસ.ઓ.જી એ મહિલાએની ધરપકડ કરી નડિયાદ માફિયા મહંમદ સફી ને વોન્ટેડ જાહેર કર્યો હતો. એસઓજીએ આરોપીઓ પાસેથી 93,800 ની કિંમત નું 9.38 ગ્રામ એમ.ડી ડ્રગ્સ અને 8 પેન્ટાઝોસીન ઇન્જેક્શન, 3 મોબાઈલ ફોન અને રોકડા મળીને કુલ રૂપિયા 1.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.