- વડોદરાના શાસકોના નાગરિકોની સુખાકારી પૂરી પાડવાના દાવાઓ કરતાં હકીકત સાવ જૂદી
- શહેરના તાંદળજા વિસ્તારના લોકો નાછૂટકે રંગીન પાણી પીવા મજબૂર
- તંત્રના આંખ આડા કાન, નાગરિકોએ આપી આંદોલનની ચીમકી
વડોદરાઃ શહેરના તાંદળજા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી કાળા રંગનું પાણી આવી રહ્યું છે. જેમાં મધુરમ સોસાયટી, નૂરજહાં પાર્ક, આદિલ પાર્ક તથા વિસ્તારની આસપાસ આવેલા ગામના લોકો ગંદા પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે ત્યાંના રહેવાસીઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે પાણી એ આપણા જીવનની મૂળભૂત જરૂરિયાત છે. ત્યારે તાંદળજા વિસ્તારના લોકો શુદ્ધ પાણીના અભાવે રંગીન પાનીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.
વારંવાર રજૂઆતો થઈ છે
રહીશોના જણાવ્યા મુજબ આ અંગે તંત્રમાં અનેક રજૂઆત કરવા છતાં તેનો ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગંદુ અને કાળા રંગનું પાણી આવે છે. જે કોઈ પણ રીતે પીવાલાયક નથી. જ્યારે આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અમે લોકો પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે.
બીમારીઓનો ભોગ બનતાં નાગરિકો
ઉલ્લેખનીય છે કે તાંદળજા વિસ્તારમાં પ્રદૂષિત હોવાથી રંગીન પાણી આવતું હોય છે. જેનો ઉપયોગ કરવાના લીધે નાગરિકોના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચી રહ્યું છે. ગંદા પાણીનો ઉપયોગ કરવાના કારણે અહીંના કેટલાંક લોકો બીમારીનો ભોગ બન્યા છે. મહત્વનું છે કે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. કારણ કે આ ગંદુ પાણી પીવાના કારણે નાગરિકોના જીવ પર પણ જોખમ ઊભું થાય છે.
ગંદા પાણીને લઇ તંત્રને જાણ છે
કોર્પોરેશનનું ગંદુ પાણી આવતું હોવાને કારણે કેટલાંક નાગરિકો બહારથી પૈસા ખર્ચીને પીવાનું પાણી લાવતા હોય છે. જેના કારણે તેમને અનેક મુશ્કેલી વેઠવી પડે છે. મહત્વનું છે કે ગંદા પાણીની સમસ્યા માત્ર તાંદળજામાં જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ચોમાસાના સમયે જ્યારે બીમારીઓને ભય વધુ રહે છે. ત્યારે ગંદા પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય વધુ જોખમમાં મુકાય છે. પરંતુ આવા સમયે પોકળ દાવાઓ કરનાર શાસકો ક્યાંક જોવા મળતા નથી તેવું નાગરિકોનું કહેવું છે. લોકોની સુખાકારી માટે કાર્ય કરતા હોવાનો દાવો કરતાં શાસકો આવા સમયે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તંત્રના ધ્યાને આ બાબત આવી હોવા છતાં તેમના દ્વારા પણ કોઈ અસરકારક પગલાં લેવામાં આવતાં નથી. જેના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષની લાગણી વ્યાપી છે. જો આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો અને આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અજગરને ભારે પડ્યું વાંદરો ગળી જવું, થઇ એવી હાલત કે હલવું પણ થયું મુશ્કેલ
આ પણ વાંચોઃ વડોદરામાં ડેલ્ટા વેરિએન્ટના 2 શંકાસ્પદ કેસ નોંધાયા, SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ