- વડોદરા રેલવે સ્ટેશન પર કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય
- રેલ્વે પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરાવા માંગ કરાઈ
- વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન દ્વારા સ્ટેટ ઓથોરિટી અને કોર્પોરેશનને પત્ર લખી રજૂઆત કરી
વડોદરા : શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યના લોકો રેવલે ટ્રેન મારફતે વડોદરા શહેરમાં આવી રહ્યા છે. જેને કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાવવાનો ભય રહેલો છે. તારીખ 1 એપ્રિલથી સમગ્ર દેશમાં ટ્રેન મારફતે પ્રવાસ કરવા માટે RT-PCR ટેસ્ટ કરવવો ફરજિયાત છે, ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર પણ મેડિકલ અંગેની વ્યવસ્થા તાત્કાલિકધોરણે ગોઠવવામાં આવે તે માટે રેલવે અધિકારી ખેમરાજ મીનાએ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેથી કોરોનાનું વધતું જતું સંક્રમણ રોકી શકાય સાથે ટ્રેનમાં પ્રવાસ કરતા લોકોને પણ સાવચેતીના પગલાં લેવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : વતનથી પરત આવી રહેલા પરપ્રાંતીય શ્રમિકોના કારણે સુરતમાં કોરોના વધવાની દહેશત
કોવિડ ટેસ્ટ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરાશે
વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને ખાસ ધ્યાને લઇ રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ પ્રવાસીઓ અને મુલાકાતીઓનું સ્ક્રિનિંગ તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર તપાસવામાં આવી રહ્યું છે. આ સાથે કોવિડ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, જ્યારે પહેલી એપ્રિલથી સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ મામલે વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન દ્વારા સ્ટેટ ઓથોરિટી તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી રેલવે સ્ટેશન ખાતે રાજ્ય બહારથી આવતા યાત્રીઓના RT-PCR ટેસ્ટ કરાવા માટે રજૂઆત કરી છે. આરોગ્ય વિભાગ સાથે રેલવે ઓથોરિટીના અધિકારીઓની મિટિંગ બાદ યોગ્ય નિર્ણય લઈ વહેલી તકે રેલવે સ્ટેશન પર RT-PCR ટેસ્ટ શરૂ કરવામાં આવશે. તેમ વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈ: બાંદ્રા રેલ્વે સ્ટેશન પર હજારો પ્રવાસી એકઠા થયાં, પોલીસે કર્યો બળપ્રયોગ