1) બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદકોને ભાવફેર આપવા માટે ધરાસભ્યોનું આંદોલન
બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદકોને ભાવફેર આપવા માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આંદોલન શરૂ કર્યું હતું. જેને વડોદરા ગ્રામ્યના ભાજપના અન્ય 3 ધારાસભ્યએ ટેકો જાહેર કર્યો હતો. આખરે આ મામલો ગાંધીનગર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ પહોંચ્યો હતો. અને તેમને મધ્યસ્થ બાદ દૂધ ઉત્પાદકોને ભાવફેર આપવામાં આવ્યો હતો.
2) નવા પ્રધાનમંડળમાં વડોદરાના બે ધારાસભ્યોને સ્થાન
ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા પ્રધાનમંડળની રચના કરાઈ હતી. જેમાં વડોદરાના બે ધારાસભ્યો રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલને સ્થાન મળ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટ મંત્રી અને મનીષા વકીલને રાજયકક્ષાના મંત્રીનો હવાલો અપાયો છે.
3) વડોદરામાં હાઈપ્રોફાઈલ રેપથી ચકચાર
વડોદરામાં પીડીતાએ નામાંકિત સી.એ. અશોક જૈન અને પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને શહેરમાં ચકચાર મચી હતી. તો આ કથિત રેપ કેસમાં હનીટ્રેપ હોવાના પણ આક્ષેપ થયા હતા. સાથે સાથે પીડીતાએ કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીનાં માર્ગદર્શનમાં ફરિયાદ નોંધાવી હોવાના પણ આક્ષેપ થયા હતા.
4) વેક્સીન ગ્રાઉન્ડમાં યુવતી સાથે ગેંગરેપ બાદ યુવતીએ કરી આત્મહત્યા
વડોદરામાં રહેતી નવસારીની યુવતીએ ટ્રેનમાં આત્મહત્યા (Vadodara Rape Suicide Case) કરી હતી. ત્યારે યુવતી પાસેથી મળેલી ડાયરીમાં તેની સાથે ગેંગરેપ થયો હોવાનું ઉલ્લેખ હતો. જેને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું. ડાયરીમાં ઉલ્લેખ મુજબ યુવતી સાથે વડોદરાના વેકશીન ગ્રાઉન્ડ ખાતે રેપ ગુજારવામાં આવ્યો હતો. તો આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દુર છે.
5) વકીલ મંડળની ચૂંટણીમાં પરિવર્તન
વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હસમુખ ભટ્ટ અને નલિન પટેલ વચ્ચે પ્રમુખ પદ માટે કાંટાની ટક્કર હતી. વકીલ મંડળની ચૂંટણીમાં નલિન પટેલની જીત સાથે પરિવર્તન આવ્યું હતું.
6) એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ
એમ.એસ.યુનિવર્સિટીની ચૂંટણીમાં (MS University Senate Election) ટીમ MSU ના ઉમેદવારોની સામે ભાજપ પ્રેરિત સંકલન સમિતિએ ઉમેદવારો ઉતાર્યા હતા. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ કાર્યાલય ખાતેથી સંકલન સમિતિના ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. ત્યારે સેનેટની ચૂંટણી શૈક્ષણિક રાજકારણનો અખાડો બની હતી. આ પ્રતિષ્ઠાના જંગમાં ટીમ MSUના ડો. જીગર ઇનામદારના ઉમેદવારોની જીત થઈ હતી.
7) વડોદરામાં ઓમિક્રોનના કેસમાં વિસ્ફોટ
વડોદરામાં ઝાંબિયાથી આવેલા દંપતિનો ઓમીક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમના સંપર્કમાં આવેલા ત્રણ બાળકો સહિત 7 વ્યક્તિઓનો ઓમીક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
8) ધર્માતરણનો રેલો પહોંચ્યો વડોદરા
યુપી ATSએ ધર્માંતરણ મુદ્દે ઉમર ગૌતમની ધરપકડ કરી હતી. જેની તપાસમાં વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના સલાઉદ્દીન શેખની સંડોવણી બહાર આવી હતી. સલાઉદ્દીન શેખ દ્વારા ધર્માંતરણ માટે ફંડીગ કરવાનો આરોપ લાગ્યો હતો. જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ટ્રસ્ટનું FCRAની પરવાનગી રદ કરાઈ હતી.
9) સી.આર.પાટીલની જાહેર મંચ પરથી મેયરને ટકોર
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરામાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં જાહેર મંચ પરથી વડોદરામાં રખડતા ઢોરના ત્રાસની લઈને મેયરને ટકોર કરી હતી. અને મેયરને મીટીંગો બંધ કરી ઢોરોનો ત્રાસ દૂર કરવાની ટકોર કરી હતી.
10) દિવાળીના પર્વે આગની વણઝાર
દિવાળીના પર્વે હરણી વિસ્તારમાં આવેલ લાકડાના પીઠામાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડે આખી રાત ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો દિવાળીના પર્વે શહેમ 100 થી વધુ જગ્યાઓ પર આગ લાગી હતી.