- પોલીસ મંજુરી નહીં મળતાં ધારાસભ્ય કેતન ઇનામદારના સર્કિટ હાઉસ ખાતે ધરણાં
- કરજણ,વાઘોડિયા અને ડભોઇના ધારાસભ્ય પણ જોડાયા
- દુમાડ ચોકડી ખાતે પશુપાલકોની અટકાયત કરવામાં આવતા માહોલ ગરમાયો
- દૂધ ઉત્પાદકોએ સર્કિટ હાઉસે સૂત્રોચ્ચાર સાથે ધરણા જારી રાખ્યાં
વડોદરા: ભાવ ફેરના મુદ્દે ધરણાની પરવાનગી નહીં મળતાં સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારએ સર્કિટ હાઉસમાં આજે ધરણાં શરૂ કર્યા હતાં. તેમણે બરોડા ડેરીના સત્તાધીશો જાડી ચામડીના હોવાનું જણાવી તેમની પર ભરોસો નહીં હોવાની કડવી વાત કહી હતી. જોકે, ગાંધીનગરથી પ્રદેશ ભાજપ પ્રમુખનું તેડું આવતા ધરણા પડતા મૂકીને કેતન ઇનામદાર અને અક્ષય પટેલ ગાંધીનગર જવા રવાના થઇ ગયાં હતાં.
સાંસદ અને જિલ્લા પ્રભારી સાથેની ધારાસભ્યોની અગાઉની બેઠક નિષ્ફળ
ભાવ ફેરના નાણાં મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પરવાનગી નહીં મળતા સર્કિટ હાઉસ ખાતે ધરણાં શરૂ કર્યા હતાં. તેમને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સહિતના નેતાઓ સમજાવવા પહોંચ્યા હતાં. પરંતુ તેમણે ધરણાં શરૂ કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની વાત કહી હતી. આ ઉપરાંત કેતન ઇનામદારે કટાક્ષમાં કહ્યું હતું કે તેમને ડેરીના સત્તાધીશો પર ભરોસો નથી તેઓ જાડી ચામડીના છે. જ્યારે બરોડા ડેરી સામે દૂધના ભાવફેર મુદ્દે આંદોલને ચઢેલા પશુપાલકો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને બરોડા ડેરીએ પહોંચી પ્રતીક ધરણાં ઉપર બેસનાર હોવાની માહિતી પોલીસને મળતા શહેર પોલીસ તંત્ર દ્વારા કલેક્ટર કચેરી અને બરોડા ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દુમાડ ચોકડી ખાતે પશુપાલકોની અટકાયત કરવામાં આવતાં માહોલ ગરમાઈ ગયો હતો.
ધારાસભ્ય કેતન ઇનામદારને બપોરે તેડું આવતા પહોંચ્યા ગાંધીનગર
કેતન ઇનામદારે ધરણાં શરૂ કર્યા હોવાની વાત મળતા જ વધુ એક વખત સમાધાનના પ્રયાસો કરવા સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા સર્કિટ હાઉસ ખાતે દોડી આવ્યા હતાં. સાંસદ રંજનબેન ભટ્ટે સમગ્ર મામલે ભાજપ મોવડી મંડળ ચોક્કસ ઉકેલ લાવશે તેમ જણાવ્યું હતું. જ્યારે વડોદરા જિલ્લાના ભાજપના પ્રભારી પરાક્રમથી જાડેજાએ પણ કોઈપણ સંજોગોમાં ગુરુવારે ડેરી ખાતે હલ્લાબોલ નહીં થાય અને આવતીકાલ સાંજ સુધીમાં સારુ પરિણામ આવી જશે તેમ જણાવ્યું હતું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સમગ્ર મામલે ગુરુવારે હલ્લાબોલ નક્કી હોવાનું જણાવ્યું છે અને જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી આંદોલન કરશે તેમ જણાવી ભાજપના મોવડી મંડળ પર વિશ્વાસ હોવાનું કહી સારું પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અન્ય MLAએ પણ આપી પ્રતિક્રિયા
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ પશુપાલકોના હિતમાં ધરણામાં જોડાવા માટે સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે પશુપાલકોના હિતમાં બધું જ કરવા અમે તૈયાર છે. જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે કેતન ઇનામદાર વડોદરા જિલ્લાના પશુપાલકોના ન્યાય માટે ગુરુવારે કાર્યક્રમ કરશે અને પશુપાલકોના હિતમાં નિર્ણય લઇશું. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. જ્યારે આરપારની લડાઇ લડવા અમે તૈયાર છીએ તેમ વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈએ કટાક્ષ પણ કર્યો હતો.
આ પણ વાંચોઃ બરોડા ડેરી સામે વડોદરા જિલ્લાના 4 ધારાસભ્યો એકજૂટ, જો ભાવફેર નહિં અપાય તો ગુરૂવારે કરાશે હલ્લાબોલ
આ પણ વાંચોઃ આખરે કુલડીમાં ગોળ ભાંગ્યો: કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચેના વિવાદનો અંત, ભાજપની મધ્યસ્થી ફળી