વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિસ્તારમાં પ્રિ મોન્સુન કામગીરી કરવાનું જણાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તાંદલજા વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરી આજદિન સુધી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, વીતેલા વર્ષે શહેરમાં પૂર આવ્યું હતું તે વખતે તંત્ર ઉંઘતું ઝડપાયું હતું અનેે તાંદળજા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાઈ ગયું હતું.
તાંદલજા વિસ્તારમાં આવેલા તળાવમાં પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવી ન હતી. તેના કારણે તળાવ ઓવરફલો થઈ ગયું હતું અને તાંદલજા વિસ્તારમાં પાણી ભરાવાનું કારણ બની ગયું હતું. તેમજ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, તાંદલજાની 80 ટકા સોસાયટીમાં વર્ષોથી ડ્રેનેજ ભરાવાની સમસ્યા યથાવત રહેલી છે અને કોઈ નક્કર જાતની કામગીરી કરવામાં આવી નથી. તેમજ તાંદલજા વિસ્તારમાં ગંદકીનો પ્રશ્ન વિકટ બન્યો છે.