- કર્મચારીઓને કાયમી કરવા પૂર્વ સભ્યએ 29 લાખનું ઉઘરાણું કર્યાના આરોપ
- કૌભાંડ ખુલતાં 104 કર્મચારીઓના ખાતામાં 16 લાખ જમા કરાવી દીધા હોવાનો આરોપ
- મેયરે નાણાં લીધાં હોય તો પરત કરવાની ટકોર કરતાં મામલો બહાર આવ્યો
- ગત બોર્ડના એક સભ્યએ વચેટીયા મારફતે ઉઘરાણી કરી હોવાની શંકા
વડોદરાઃ વડોદરા પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના વર્ગ 4ના 570 કર્મચારીઓને કાયમી કરવા માટે શિક્ષણ સમિતિના જ ગત બોર્ડના એક સભ્યએ વચેટિયા તરીકે ભૂમિકા નિભાવી કર્મચારીઓ પાસેથી 29 લાખની માતબર રકમ ઉઘરાવી કૌભાંડ આચર્યા હોવાનું સામે આવ્યું છે.કર્મચારીઓને 30 વર્ષ બાદ પણ કાયમી ન કરતા કર્મચારીઓ હાઇકોર્ટમાં ગયા હતાં., બાદમાં હાઈકોર્ટે કર્મચારીઓને નીચલી કોર્ટમાં જવા કહ્યું, જેથી કર્મચારીઓ લેબર કોર્ટમાં ગયાં. જ્યાં કોર્ટે વર્ષ 2019માંં જે કર્મચારીઓના કામના 720 દિવસ પૂરા થઈ ગયા હોય તેમને કાયમી કરવાનો હુકમ કર્યો હતો.જેથી શિક્ષણ સમિતિએ જૂન 2020માં બોર્ડની બેઠકમાં કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી અને દરખાસ્ત આખરી મંજૂરી માટે પાલિકાની સામાન્ય સભામાં મોકલી આપી હતી.
100 થી વધુ કર્મચારીઓ પાસેથી 29 લાખ રૂપિયા ઉઘરાવ્યાં
ગત બોર્ડના શિક્ષણ સમિતિના એક સભ્યએ 100 થી વધુ કર્મચારીઓ પાસેથી 29 લાખ રૂપિયા ઉઘરાવ્યાં અને નાણાં કેટલાક સભ્યોને વહેચી પણ દેવાયા હોવાની માહિતી સામે આવી.બાદમાં કર્મચારીઓને કાયમી કરાવી આપવાનો વિશ્વાસ પણ અપાવ્યો પણ ગત બોર્ડના મેયરને શંકા જતા દરખાસ્ત મંજૂર ન કરી મુલતવી કરી દીધી.પાલિકાના વર્તમાન બોર્ડના મેયરને કર્મચારી મંડળના પ્રમુખ કાયમી કરવાની માગ સાથે મળવા ગયાં ત્યારે મેયર કેયૂર રોકડીયાએ કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા રૂપિયા પહેલાં પરત કરવા કહ્યું, બાદમાં કાયમી કરવા વિચારણા કરીશું તેવો જવાબ આપ્યો.
મેયરની સૂચના બાદ કર્મચારી મંડળના પ્રમુખ નીલેશ રાજે કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા 29 લાખમાંથી 16 લાખ પરત કરી દીધાં.જેમાં 104 બેંક ખાતામાં 16 લાખ જમા કરાવ્યાં હોવાની રિસિપ્ટ પણ તેમને બતાવી.કર્મચારી મંડળના પ્રમુખ આજે કર્મચારીઓ સાથે શિક્ષણ સમિતિની ઑફિસ પહોંચ્યાં અને સ્પષ્ટતા કરતા કહ્યું કે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી વકીલની ફી આપવા કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યાં.ગત બોર્ડના કોઈ સભ્યએ કોઈ કર્મચારી પાસેથી રૂપિયા નથી લીધાં.સાથે જ તેમને વર્ગ 4 ના હાલમાં કામ કરતા 200 કર્મચારીઓને કાયમી કરવા માગ કરી..તો અન્ય કર્મચારીઓએ તેમના પ્રમુખની વાતમાં સૂર પુરાવી વકીલની ફી માટે રૂપિયા આપ્યા હોવાનું કહ્યું સાથે જ કાયમી કરવા માટે આજીજી કરી.
કોંગ્રેસે પણ શાસકો પર પ્રહાર કર્યા
ભાજપશાસિત શિક્ષણ સમિતિમાં કર્મચારીને કાયમી કરવા માટે રૂપિયાની લેતીદેતીનો મામલો સામે આવતા કોંગ્રેસે પણ શાસકો પર પ્રહાર કર્યા છે.ગત બોર્ડના શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્યએ મેયર પર આરોપ લગાવ્યાં કે ભાજપની આંતરિક જૂથબંધીમાં મેયર ભાજપના સભ્યોને જ બદનામ કરી રહ્યાં છે, જો કૌભાંડ થયું હોય તો મેયર સાબિત કરી બતાવે. તો કોંગ્રેસ પક્ષના પાલિકાના નેતા અમીબેન રાવતે કહ્યું કે પારદર્શક વહીવટ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે, શિક્ષણ સમિતિમાં રૂપિયાની લેતીદેતી મામલે તટસ્થ તપાસ થવી જોઈએ.
મહત્વની વાત છે કે મેયર કેયૂર રોકડીયા પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને પોતે જ સતત ઉજાગર કરી રહ્યાં છે, સાથે જ તમામ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને પ્રમાણિકપણે કામ કરી રહ્યાં છે. તેમજ તેમના શાસનમાં પાલિકામાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય તેવો સંદેશો પણ આપી રહ્યાં છે. ત્યારે મેયરની આ ઝૂંબેશ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં કેટલી અસરકારક નીવડશે તે આગામી સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચોઃ વડોદરાની શિક્ષણ સમિતિની શાળાઓ બંધ હોવા છતાં 5 કરોડનો ખર્ચો કરાયો હોવાનો ઘટસ્ફોટ RTI દ્વારા થયો
આ પણ વાંચોઃ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં BJP ની સત્તા, 8 બેઠકો પર વિજય