- વડોદરા હાઈ પ્રોફાઈલ રૅપ કેસ આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો
- ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી
- કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
- રાજુ ભટ્ટને 3 તારીખ બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મળ્યા
વડોદરા: શહેરની ખાનગી યુનિવર્સિટીમાં વકીલાતનો અભ્યાસ કરતી યુવતીએ CA અશોક જૈન અને પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્ચ આરોપી રાજુ ભટ્ટની ધરપકડ કરી તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આજે ગુરુવારે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પણ કોર્ટે 3 દિવસનાં જ રિમાન્ડ મંજૂર કર્યા હતાં. તપાસ અધિકારીએ રિમાન્ડ મેળવવા 10 જુદાં જુદાં કારણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. આરોપીનાં વકીલે રિમાન્ડ ન મળે તે માટે દલીલો કરી હતી. નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી રાજુ ભટ્ટનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં. હવે આરોપીને પોલીસ દુષ્કર્મનાં સ્થળે સાથે રાખી તપાસ કરાશે. સાથે જ તેની પાસેથી વધુ કેટલાક મહત્વનાં પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરશે.
આ પણ વાંચો: વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો
આરોપી રાજુ ભટ્ટનાં વકીલ જગત દેસાઇએ કોર્ટમાં ધારદાર રજૂઆતો કરી
આરોપીએ દુષ્કર્મ ન કર્યું હોવાનું વકીલ જગત દેસાઇએ કોર્ટ સમક્ષ કહ્યું હતું. સાથે જ આરોપીને સહારાની જમીનની ડીલ સાથે કોઇ જ લેવા દેવા ન હોવાનું જણાવ્યું હતું. આરોપીનાં વકીલે પોલીસ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, પોલીસ હજી સુધી સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ શોધી શકી નથી. જો મેમરી કાર્ડ રેકોર્ડ પર મુકવામાં આવે તો કેસ સાથે સંકળાયેલા અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાઇ શકે છે.
મુખ્ય આરોપી અશોક જૈન હજુ સુધી ફરાર
મહત્વનું છે કે, આરોપી રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ 4 વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું કબૂલ્યું છે. જેથી પોલીસ ઘટનાનાં તમામ સ્થળોએ હવે આરોપીને લઇ જઇ તલસ્પર્શી તપાસ કરશે. આ તમામ વચ્ચે આ ચકચારી દુષ્કર્મ કાંડનો મુખ્ય આરોપી અશોક જૈન હજુ સુધી ફરાર છે, ત્યારે તે ક્યારે પકડાશે તે પણ એક મોટો સવાલ છે.
- વડોદરા દુષ્કર્મકાંડનો આરોપી 28 સપ્ટેમ્બરે રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો હતો, વડોદરા અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દુષ્કર્મનો આરોપી રાજુ ભટ્ટ કાળવા ચોક નજીક વિશાલ ટાવર પાસેથી ચાલતા જઈ રહ્યો હતો તે દરમિયાન જૂનાગઢ એસ.ઓ.જી.એ તેને પકડી પાડીને વડોદરા પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરી હતી.
- પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેમના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી હતી. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતી દ્વારા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે દુષ્કર્મ, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.