- કોર્પોરેશનની ચૂંટણીનો ધમધમાટ શરૂ
- ભાજપના નિરીક્ષકોએ 2 દિવસમાં 19 વોર્ડની 76 બેઠકો પર 1451ઉમેદવારોની સેન્સ લીધી
- ધારાસભ્યના પત્ની, પુત્રી અને પુત્ર ટિકિટની રેસમાં
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરુ થઇ જતા બે દિવસ ભાજપના નિરીક્ષકો ચૂંટણીની દાવેદારી કરનાર ઉમેદવારોની સેન્સ લીધી હતી. તેમાં આજે બીજા દિવસે શહેરના 09 વોર્ડની 36 બેઠકો પર 662 દાવેદારોનો રાફડો ચૂંટણી લડવા ફાટી નીકળ્યો હતો. જેમાં બે દિવસમાં નિરીક્ષકોએ 19 વોર્ડની 76 બેઠકો પર 1451 ઉમેદવારોની સેન્સ લીધી હતી. નિરીક્ષકો લિસ્ટ બનાવીને ભાજપ મોવડી મંડળમાં મોકલાવશે.
ભાજપ નિરીક્ષકો ચૂંટણી લડવા ટિકિટ વાંચ્છુકોની સેન્સ લીધી
ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની જાહેરાત કરી દેતા પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો બે દિવસ ચૂંટણી લડવા ઉમેદવારોની સેન્સ લીધી હતી. પહેલા દિવસે શહેરમાં નિરીક્ષકોએ 10 વોર્ડની 40 બેઠકો પર ભાજપના 789 દાવેદારોની સેન્સ લીધી હતી. આજે બીજા દિવસે 09 વોર્ડમાં 36 બેઠક ઉપર નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી હતી. ભાજપે બે દિવસમાં ટિકિટ વાંચ્છકોની 19 વોર્ડની 76 બેઠકો પર 1451 ઉમેદવારો ટિકિટ માટે આવ્યા હતા. પ્રદેશ ભાજપ સંગઠન અને પંદર જેટલા નિરીક્ષકોની ટીમ છે અને તેઓએ બે દિવસ અલગ-અલગ વોર્ડમાં ચૂંટણીની દાવેદારી કરનાર ઉમેદવારોની સેન્સ લીધી હતી.
શહેરના પૂર્વ કાઉન્સીલર, ધારાસભ્યોના પત્ની, પુત્રી અને પુત્ર માટે ટિકિટ માગી
પૂર્વ છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાના પણ પોતાની પુત્રી માટે ટિકિટ માગી હતી. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમના પત્ની તેમજ પુત્ર અને પુત્રી માટે ટિકિટ માગી હતી. મધુ શ્રીવાસ્તવની પત્ની સવિતાબેન જિલ્લા પંચાયતમાં ૨૦ વર્ષ સુધી રહ્યા હતા. બીજી તરફ ડભોઈના ધારાસભ્ય અને વોર્ડ નંબર ૧૫ના પૂર્વ કોર્પોરેટર શૈલેષ મહેતાએ તેમના દીકરા ધ્રુમિલ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ તેના દીકરા માટે પણ ટિકિટ માગી હતી. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારો નિરીક્ષકોને મળ્યા હતા અને પોતાનો બાયોડેટા આપ્યો હતો.