- વડોદરાના એક ભક્તની વિધ્નહર્તા ગણેશજી પ્રત્યે અનોખી શ્રદ્ધા
- પેઢી દર પેઢીથી ચાલતી પરંપરા મુજબ દર વર્ષે ગણેશજીને સોનાના એક નવા દાગીનાનો ચઢાવો
- 10 માં વર્ષે ગણપતિજીની સૂંઢ પર સોનાનો શણગાર ચઢાવ્યો
વડોદરા: સંસ્કારી નગરી ધાર્મિક પ્રિય નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં વસતા તમામ સમાજના લોકો દ્વારા તહેવારો હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. હાલ શ્રીજી મહોત્સવ ચાલી રહ્યો હોવાથી શહેરમાં ઠેર ઠેર વિવિધ યુવક મંડળો તેમજ ઘરોમાં ગલી, મહોલ્લા, શેરીઓ અને સોસાયટીઓમાં શ્રીજીની નયનરમ્ય પ્રતિમાઓની સ્થાપના કરી અદભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક શ્રીજી ભક્તે ચાલુ વર્ષે તેમના નિવાસ્થાને સ્થાપના કરેલા લાલબાગ કા રાજા મહારાષ્ટ્રની હુબેહુબ શ્રીજીની પ્રતિમાને 1 કરોડ ઉપરાંતના સોનાના આભૂષણોથી શ્રીજીને શણગાર્યા છે. જેમાં સોનાનો હાર, સોનાના બાજુબંધ, સોનાના હાથના કડા, સોનાના પગ, સોનાનો હાથનો આશીર્વાદ (પંજો) અને ચાલુ વર્ષે સૂંઠનો સોનાના શણગારના આભૂષણનો સમાવેશ થાય છે.
આવનારી મારી પેઢી પણ આ પ્રથા જાળવી રાખે તેવી શ્રીજી ચરણોમાં પ્રાથના કરી : ઘનશ્યામ ફૂલબાજે
માંજલપુર વિસ્તારમાં આવેલા ડ્રિમ આઈકોનીયા ફ્લેટમાં રહેતા ઘનશ્યામ ફૂલબાજે શ્રીજીના ભક્ત છે. વર્ષોથી તેઓ મહારાષ્ટ્રના પ્રખ્યાત લાલબાગ કા રાજાની જેમજ પોતાના ઘરમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરે છે. તેમનું માનવું છે કે શ્રીજીની સ્થાપના કરવાથી તમામ સંકટ દૂર થાય છે. શ્રીજી ભક્ત ઘનશ્યામભાઈએ Etv Bharat સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારી પેઢીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ મહારાષ્ટ્રના લાલબાગ કા રાજાની જેમ જ પ્રતિમા બનાવડાવી મારા મકાનમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરું છું અને દર વર્ષે શ્રીજીની પ્રતિમાને એક નવા સોનાનું આભૂષણ ચઢાવું છું. આ પ્રથા છેલ્લા 10 વર્ષથી કાયમ છે. આજે 1 કિલો સોનુ છે તો મારી આસ્થા એવી છે કે સોનુ વધારીને શ્રીજીને વધારેમાં વધારે સોનાનો ચઢાવો અર્પણ કરું. મારી નગરજનોને અપીલ છે કે, હું મારા નિવાસ સ્થાને લાલ બાગ કા રાજા મહારાષ્ટ્રના જે પ્રસિદ્ધ ગણેશજી છે. તેમના જેવી જ પ્રતિમાની સ્થાપના કરું છું. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીને કારણે તેમજ આટલે દૂર સુધી ગયા પછી પણ મહામુશ્કેલીએ મહારાષ્ટ્રમાં લાલ બાગ કા રાજાના દર્શન થતાં હોય છે અને ઘણી મુશ્કેલીઓ લોકોને પડતી હોય છે. માટે મેં પણ મારા નિવાસસ્થાને લાલ બાગ કા રાજાની જ પ્રતિમાની સ્થાપના કરી છે. અહીં તમે ગણેશજીના દર્શન કરવા માટે આવી શકો છો. મારી પણ ઇચ્છા છે કે, મારી આવતી પેઢી પણ આ રીતે પ્રથા જાળવી રાખે. હું પાંચ દિવસ ગણપતિજીને બેસાડું મને કાયમ ઈચ્છા થાય કે દાદાને માત્ર પાંચ દિવસ બેસાડવાના પરંતુ જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે તે મુજબ પાંચ દિવસ રહીને બિરાજીત કરી તેનું વિસર્જન કરવું પડે છે. વિસર્જન બાદ અમારું ઘર એકદમ સૂનું પડી જાય છે. હું ગણેશજીનો ભક્ત છું માટે દર વર્ષે તેમની માટે એક નવું સોનાનું ઘરેણું બનાવી તેમને ચઢાવું છું. આગામી વર્ષ 2022 માં શ્રીજીને હાથમાં સોનાનું ચક્ર તેમજ સોનાની ફરસીનો ઉમેરો કરવામાં આવશે. તેમ શ્રીજી ભક્ત ઘનશ્યામભાઈ ફૂલબાજેએ જણાવ્યું હતું.