વડોદરાઃ શહેરની એમ. એસ. યુનિવર્સિટીમાં 3 માસ પૂર્વે લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં ન આવતા વિવિધ સંગઠનો દ્વારા પરિણામો જાહેર કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનના બીજા દિવસે પણ વિદ્યાર્થી સંગઠનો હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા.જ્યાં વિજીલન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓફિસમાં જતાં રોકવામાં આવતા ઘર્ષણ થયું હતું.વિજીલન્સ દ્વારા વિદ્યાર્થીઓને રોકવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી સત્તાધીશો અને વિજીલન્સ વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા.
વિજીલન્સ દ્વારા વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે જતાં રોકતા વિદ્યાર્થીઓ હેડ ઓફિસ બહાર ધરણા ઉપર બેસી ગયા હતા.તો કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસની બહાર સત્તાધીશોના પૂતળા દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થી સંગઠનોએ જણાવ્યું હતું કે,જ્યાં સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારતા આખરે વાઇસ ચાન્સેલરે વિદ્યાર્થી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.અને આગામી એક સપ્તાહમાં પરિણામ જાહેર કરવાની હૈયાધારણા આપી હતી.