- મહારાષ્ટ્રના ટેક્સી ડ્રાઈવરનો મૃતદેહ વડોદરામાંથી મળ્યો
- વડોદરાની પીએમ રેજન્સી હોટેલમાં રોકાયો હતો ડ્રાઈવર
- ડ્રાઈવર જે ગ્રાહકને લઈને આવ્યો હતો તેણે નોંધાવી હતી પોલીસ ફરિયાદ
- પોલીસે તપાસ કરતા હોટેલના રૂમ નં. 306માંથી ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો
વડોદરાઃ આ અંગેની વિગત એવી છે કે, પૂણેના 43 વર્ષીય ટેક્સી ડ્રાઈવર સંતોષભાઈ રઘુનાથ ભીંસ બે દિવસ અગાઉ ખાનગી કંપનીના અધિકારીને લઈને પોર ખાતે કંપનીમાં આવ્યા હતા. આથી સંતોષભાઈએ રહેવા માટે સયાજીગંજની પીએમ રેજન્સી હોટલમાં રૂમ બૂક કરાવ્યો હતો. અહીં તેમણે મોડી રાત્રે હોટલના કર્મચારીઓને જણાવ્યું હતું કે, હું ખૂબ થાકી ગયો છું કોઈ ડિસ્ટર્બ કરવા માટે ન આવતા. ગ્રાહકનો ફોન નહીં ઉપાડતા ગ્રાહક એપ્લિકેશનના આધારે ડ્રાઇવરનો પત્તો લાગ્યો હતો.
ગ્રાહકે ફરિયાદ નોંધાવતા ડ્રાઈવરના મોતની થઈ જાણ
જોકે, બીજા દિવસે તેમના ગ્રાહકે વારંવાર સંતોષભાઈને ફોન કર્યા, પરંતુ તેમને એક પણ ફોનનો જવાબ ન આપતા ગ્રાહક લોકેશનના આધારે સંતોષભાઈને શોધતા સયાજીગંજ વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેઓએ પોલીસ મથકમાં સંતોષભાઈના ગુમ થયાની ફરિયાદ કરતા પોલીસે સંતોષભાઈની શોધખોળ હાથ ધરી હતી. અંતે પીએમ રેજન્સી હોટલના ત્રીજા માળેથી રૂમ નં-306માંથી સંતોષભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના મોઢામાંથી લોહી નીકળતું હતું. પોલીસે મૃતદેહ પાસે પડેલી થમ્સઅપ અને લોહીના નમૂના એફએસએલમા મોકલ્યા હતા. આ ઉપરાંત સંતોષભાઈના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.