- સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી
- વડોદરાના હરણી ગામે સરદાર પટેલની પ્રતિમા બિસ્માર હાલતમાં
- સામાજિક કાર્યકરોની તંત્ર સામે નારાજગી
- સામાજિક કાર્યકરોએ પ્રતિમાનો દૂધાભિષેક કરી પુષ્પાંજલિ અર્પી
વડોદરા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતીએ હરણી ગામ ખાતે આવેલી તલાટીની કચેરીના પટાંગણમાં સરદાર પટેલની પ્રતિમા બિસ્માર, જર્જરિત હાલતમાં નજરે પડતાં ચકચાર મચી છે. સામાજિક કાર્યકરોએ પ્રતિમાની સાફ સફાઈ તેમજ દૂધાભિષેક કરી સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ
31મી ઓક્ટોબર એટલે આપણા લોખંડી પુરુષ અને દેશના નાયબ વડાપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી. આજે સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી આ મહાન વિભૂતિને યાદ કર્યા હતા.
હરણી ગામે સરદાર વલ્લભભાઈની પ્રતિમાની હાલત બિસ્માર
એક તરફ એકતા દિવસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ બનાવી રહ્યા છે, ત્યારે બીજીબાજુ શહેર નજીક હરણી ગામ ખાતેની તલાટી ઓફિસના પ્રાંગણમાં જ આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની જાળવણીના અભાવે જર્જરિત જોવા મળી હતી.
સરદારની પ્રતિમાની આસપાસ ગંદકી જોવા મળી
આ પ્રતિમાની આસપાસ અસહ્ય ગંદકી પણ જોવા મળતા શહેરના સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી અને હરણીગામના સ્થાનિકોને સાથે રાખી અહીં સફાઇ તથા સરદારની પ્રતિમાને દૂધ તેમજ પાણીથી સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી તથા સ્થાનિકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, દેશની આવી મહાન વિભૂતિઓની પ્રતિમાઓની જાળવણી તંત્ર કરી શક્તું નથી ?
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચીએ શહેરમાં મહાત્મા ગાંધી તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર કલર તથા પોપડા ઉખડી જતાં પાલિકા તંત્રની કામગીરીની ઝાટકણી કાઢતાં તંત્ર સફાળુ જાગ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર હરણી ગામ તલાટીની કચેરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની જાળવણી સંદર્ભે પાલિકાની બેદરકારી સામે આવી છે.