- ગોત્રી મેડિકલ કોલેજ ખાતે 60 સ્ટુડન્ટ્સ સાથે રેગિંગ પ્રકરણ મામલો
- બે રેસિડેન્ટ્સ ડોક્ટર્સને ટર્મિનેટ કરવામાં આવ્યા
- વાલીઓ અને લોકલ પોલીસ ઓથોરિટી સાથે કરાઈ મિટિંગ
વડોદરા : ગોત્રી GMERS હોસ્પિટલમાં ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટસ દ્વારા બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સને 100 ઉઠક બેઠક કરાવી ફિલ્મી અંદાજમાં જાહેરમાં રેગિંગ કરાવવાની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઈ હતી. ગોત્રી હોસ્પિટલમાં રેગિંગની આ પ્રથમ ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલના એન્ટિ રેગિંગ કમીટીના 12 સભ્યો દ્વારા તાત્કાલીક અસરથી રેગિંગ કરાવનાર મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ ડોક્ટરને છુટા કરી દેવામાં આવ્યા છે. એન્ટી રેગિંગ કમિટી દ્વારા સંપૂર્ણ પાસાઓની તપાસ બાદ રિપોર્ટ રજૂ કરાશે અને ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો: જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ
100 ઉઠક બેઠક કરવાનું ફરમાન કરાયું
ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ તેમજ અન્ય એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા શનિવારે ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ્સને ઉંઘમાંથી ઉઠાડીને બીજા વર્ષના સ્ટુડન્ટ્સને ભેગા કરવા માટે જણાવાયું હતું. પોતાના સિનિયર સ્ટુડન્ટ્સના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખીને 100 ઉઠક બેઠક કરવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની દાદાગીરી કરતા સૌ ગભરાઈ ગયા હતાં, પરંતું સિનિયર લોકો હેરાન કરશે તેમ માની તમામ વિદ્યાર્થીઓએ 100 જેટલી ઉઠક બેઠક કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 3 વિદ્યાર્થીઓને ઉલટી થવા લાગતા અને એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જતા સિનિયરો મુંજવણમાં આવી ગયા હતા. આ બાદ જે વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી તેઓને સારવાર આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ ડીનને ફરિયાદ કરી
આ ઘટના બાદ સવારે 9 વાગ્યે રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ ડીનને ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. કમિટીની તપાસમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતો એક મેડિકલ ઓફિસર, બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર અને ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું. કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બન્ને ડોક્ટર્સને તાત્કાલીક પગલાં ભરી છુટા કરી દીધા હતા. આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી.
આ પણ વાંચો: જામનગરમાં M.P શાહ મેડિકલમાં રેગિંગ રાજ, ગરીબ વિદ્યાર્થી બન્યો ભોગ
વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ માહિતી લેખિતમાં મંગાઈ
ગોત્રી મેડિકલ કોલેજના ડીન ડો. વર્ષા ગોડબોલેએ જણાવ્યું હતું કે, ગોત્રી મેડિકલ કોલેજમાં જે રેગિંગની ઘટના બાદ તપાસ કમિટી દ્વારા સવારે 11 થી 3 વાગ્યા સુધી એક બેઠક બોલાવી હતી.પ્રિલીમરી રિપોર્ટ કર્યો છે.ગઈકાલે આ ઘટનાની જ્યારે ખબર પડી ત્યારે બપોરે પણ એક મિટિંગ બોલાવી હતી 1:30 વાગે. ત્યારબાદ સ્ટુડન્ટ્સને બોલાવાયા હતા. કમિટી દ્વારા સમગ્ર ઘટના અંગે સંપૂર્ણ માહિતી લેખિતમાં આપવા જણાવવામાં આવ્યું હતું.
પેરેન્ટ્સ અને પોલીસને બોલાવાયા
ગોત્રી કોલેજની કમિટીના મિટિંગમાં 2 પેરેન્ટ્સ અને લોકલ પોલીસ ઓથોરીટીને પણ બોલાવવામાં આવ્યા હતા. ગોરવા પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં જે ઘટનાને લઇને એન્ટી રેગિંગ કમિટી દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે મીટીંગ બોલાવી હતી. જેમાં હું પોતે હાજર રહ્યો હતો. તમામ પાસાઓ રજૂ થયા બાદ આગળની તપાસ થશે.