- પાણીગેટ - વાડી પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂ-બિયરના જથ્થાનો નાશ કરાયો
- છેલ્લા 3 વર્ષમાં ઝડપાયેલા 87.65 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું
- કોર્ટના આદેશ બાદ કામગીરી હાથ ધરવામાં આવી
વડોદરા: વડોદરાના પાણીગેટ અને વાડી પોલીસ મથકમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન ઝડપાયેલા રૂપિયા 87.65 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કોર્ટના આદેશ બાદ વડોદરા નજીક ચીખોદરા ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવતો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો કોર્ટના આદેશથી સમયાંતરે નાશ કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક દ્વારા 11 જાન્યુઆરી 2018 થી તા 30 નવેમ્બર 2020 દરમિયાન દારૂ બંધીના 198 કેસ કરવામાં આવ્યા હતા અને રૂપિયા 72,33,875ની કિંમતની 27,692 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
આ જથ્થાનો આજે ચિખોદરા ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશાનુસાર નાયબ પોલીસ કમિશનર ઝોન-3, ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ.મદદનીશ પોલીસ કમિશનર ઇ ડિવિઝન તેમજ નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં પાણીગેટ અને વાડી પોલીસ મથક દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવેલ કુલ રૂપિયા 87,65,148ની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.