- વડોદરાની સયાજી હોસ્પિટલમાં વેક્સિન લેવા લોકોની લાઈનો
- બુધવારે મમતા દિવસ નિમિત્તે વેક્સિનેશન બંધ રહેતા લોકો વેક્સિનથી વંચિત
- વેક્સિનેશન બંધ રહેશેની કોઈ જાહેરાત ન કરાતા લોકોનો સમય વેડફાયો
વડોદરા: સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે. પરંતુ રસીકરણ બાબતે તંત્રની બેદરકારી પણ સામે આવી છે. સરકાર દ્વારા અનેકવિધ જાહેરાતો કરી લોકોને કોરોના રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મમતા દિવસ હોવાથી કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હોવાની કોઈ જાહેરાત નહીં કરાતા વડોદરા શહેરના વિવિધ સેન્ટરો પર વહેલી સવારથી જ લોકોની વેક્સિન લેવા માટે લાઈનો લાગી હતી. જોકે આ સમયે જ બુધવારે મમતા દિવસ હોવાથી વેક્સિનની કામગીરી બંધ રહેશેની સૂચનાઓ વેક્સિન સેન્ટર બહાર ચોંટાડાઈ હતી. જેને કારણે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેલા લોકો વેક્સિનથી વંચિત રહેતા હાલાકીનો ભોગ બન્યા હતા.
વિપક્ષી નેતા અમીબેન રાવતે તંત્ર પર નિશાન સાધ્યુ
વડોદરામાં મમતા દિવસને કારણે બંધ રાખવામાં આવેલી વેક્સિન કામગીરીને લઈ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ડર માથા પર તોળાઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન જ્યારે પોતે આવીને ત્રીજી લહેર માટે લોકોને સાવચેત રહેવાની વાત કરતા હોય તો વેક્સિનેશનની અગત્યતા સરકારને પણ ખબર છે. સરકાર અનેક જાહેરાતો કરીને વેક્સિન લેવા લોકોને આહ્વાન કરે છે. એવા સંજોગોમાં જ્યારે વેક્સિનેશન શિડયુલ સમયસર થતું નથી. ગયા વખતે પણ મમતા દિવસના નામે ચાર દિવસ વેક્સિનેશન બંધ રહ્યું હતું.
મમતા દિવસના નામે વેક્સિનેશન બંધ
આ બુધવારે ફરી મમતા દિવસના નામે વેક્સિનેશન બંધ છે. જે પણ નિર્ણય લેવાતા હોય તે બપોર પછી કરવાનું હોય કે બંધ રાખવાનું હોય, આ તમામ વસ્તુો બાબતે કોઈ પણ રીતે લોકોને માહિતી આપવામાં આવે તો સામાન્ય લોકોને હાલાકી ન ભોગવવી પડે. લોકો રજા લઈને પોતાનો નોકરી ધંધો છોડીને વેક્સિન લેવા જાય છે. વેકસિનેશન સેન્ટર પર જઈને ખબર પડે છે કે, આજે વેક્સિન આપવામાં નથી આવતી. ગુરુવારે બપોર પછી રસી આપવામાં આવશે. કલાકો સુધી લોકોને લાઈનમાં ઉભુ રહેવું પડે છે.
આ પણ વાંચો: Vaccination : રાજ્યમાં કોરોનાનું રસીકરણ બુધવાર અને રવિવારે રહેશે બંધ
વેક્સીનેશન શેડ્યિુલ્ડ વિશે જાહેરાત કરવી જોઈએ
તંત્રની બેદરકારીને કારણે લોકોને પણ સમજ પડતી નથી અને આમથી આમ ફરવું પડી રહ્યું છે. અંતે કંટાળીને વેકસીન લીધા વિના લોકો ઘરે પરત જતા રહે છે. મારી માંગણી છે કે, વેક્સિનેશનના શિડ્યુલમાં કોઈપણ ફેરફાર હોય તો તેની જાહેરાત આપવી જોઈએ. ખાલી કાઉન્સિલરોને જાણ કરવાથી તમામ લોકો સુધી આ બાબતની જાણ થતી નથી. લોકોની જાણ માટે તમામ સોશિયલ મીડિયા પર તેમજ અખબારોમાં વેક્સિનેશન અંગેની તમામ કામગીરી વિશેની જાહેરાત આપવી જોઈએ.